પતિ દિવ્યેશ ઉર્ફે પિન્કેશ ટંડેલ મારઝૂડ કરતા એક વર્ષથી અન્ય પુરુષ સાથે રહેતી પત્ની જીમીશાને એકાંતમાં બોલાવી દિવ્યેશે મોતને ઘાટ ઉતારી દીધી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વલસાડ તાલુકાના માલવણ ગામે ગત તા.01 ડિસેમ્બરના રોજ બંજરવાળી એકાંત જગ્યામાં એક મહિલાની સડી ગયેલી લાશ મળી આવી હતી. આ લાશ અંગે ડુંગરી પોલીસે ચાંપતી તપાસ ચાલુ રાખી હતી. અંતે 25 દિવસે મરણ જનાર મહિલાની હત્યા એના પતિએ જ કરી હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી હતી. પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
સનસનાટી ભરેલા હત્યા કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગણદેવી ઘોલાઈ સબાબેટ ફળીયામાં રહેતી જીમીશાબેન તુલસીભાઈ ટંડેલના દિવ્યેશ ઉર્ફે થીન્કેશ નરેશભાઈ ટંડેલ રહે.નાની દાંતી સ્કૂલ ફળીયા તા.વલસાડ સાથે પાંચ વર્ષ અગાઉ થયા હતા. લગ્ન બાદ પતિ દિવ્યેશ ટંડેલ પત્ની જીમીશાને મારતો-રંજાડતો રહેતો તેથી એક વર્ષપહેલા જીમીશાને નરેન્દ્રગીરી ગોસ્વામી રહે.એલડી કોમ્પલેક્ષ એરૂ ચાર રસ્તા જલાલપોર સાથે પ્રેમ સબંધ બંધાતા જીમીશા નરેન્દ્રગીરી સાથે એક વર્ષથી રહેવા ચાલી ગઈ હતી. ગત તા.01 ડિસેમ્બરે પતિ દિવ્યેશે જીમીશાને મળવા માટે માલવણ કરદિવા બંજર એકાંત જમીન ઉપર બોલાવેલી અને ફરીથી સાથે રહેવાની વાત દિવ્યેશે કરી હતી. પરંતુ જીમીશાએ સાફ ના પાડી દેતા પ્લાસ્ટીકની રસ્સીથી જીમીશાને ટુંપો આપી ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસમાં કબુલાત કર્યા મુજબ દિવ્યેશ આખી રાત મૃત પત્નીની લાશ પાસે ગુજારીને વહેલી સવારે નિકળી ગયો હતો. આ તમામ ઘટનાક્રમમાં સાથે કડી જોડતા પોલીસે દિવ્યેશની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરી જેલભેગો કર્યો હતો.