ચોમાસામાં ગંદકીથી સબડતા-ભીડભાડ વાળી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે : ડિમોલિશન બાદ 20 ફુટ પહોળો આર.સી.સી. રોડ બનશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25 : વાપી જુના શાકભાજી માર્કેટમાં અઢળક થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે વર્ષો બાદ પાલિકા જાગી અને શનિવારે માર્કેટમાં થયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી ડિમોલિશન માટે જે.સી.બી., ટ્રેક્ટર, પાલિકા સ્ટાફ અને પોલીસ ખડકી દેવાઈ હતી. કામગીરીના પ્રારંભ સાથે જ કેટલાક અસામાજીક તત્ત્વોના એકઠા થયેલાટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં બે કર્મચારી ઘાયલ થયા હતા. મામલો વણશે તે પહેલા પોલીસે સમય સુચકતા વાપરી હંગામાને દબાવી દીધો છે તે પછી દિવસભર ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ ચાલુ રહી હતી.
વાપી જુનુ શાકમાર્કેટ એટલે ગંદકી અને ખભેથી ખભો અથડાય તેવી ગીચ સ્થિતિ વચ્ચે વર્ષોથી બરકરાર ચાલતુ રહ્યું હતું. 12 કલાક ટ્રાફિકની ભરમાર પ્રવર્તિ રહેતી હતી પરંતુ પાલિકા ઊંઘતી જ રહેલી. વચ્ચે એક-બે વખત પ્રયત્ન કરેલો પણ મામલો હેન્ડલ કરવાની ભુતકાળના શાસકોમાં ત્રેવડ જોવા મળી નહોતી. પરંતુ જે કામગીરી વર્ષો પહેલાં થવી જોઈતી હતી તે શનિવારે અંતે થઈને રહી. બીજી તરફ શાકભાજીના વેપારીઓ કે જેમની ગરાસ લૂંટાઈ રહી હતી ત્યારે ભારે બખાળા પણ કર્યા. જાણ વગર ડિમોલિશન કરાયું. વૈકલ્પિક જગ્યા ફાળવવી જોઈએ વગેરે વગેરે. પરંતુ પાલિકાએ કોઈનું પણ સાંભળ્યા વગર અંતે ડિમોલિશનનો હથોડો ગેરકાયદે દબાણો ઉપર ઝીંકી જ દીધો. ડિમોલિશન કામગીરી પૂર્ણ થયા બાદ માર્કેટમાં ખુલ્લી કરાયેલા જગ્યાએ 20 મીટર પહોળો આર.સી.સી. રોડ બનશે. વાપીના બ્યુટિફિકેશનમાં શાકભાજી માર્કેટ ડાઘ સમાન હતું તેની સ્થાને આગામી સમયે શાકભાજી માર્કેટની રોનક બદલાઈ જશે તેમજ શહેરને જરૂરી પર્યાપ્ત નાગરિકી સેવા પણ ઉપલબ્ધથશે.