આ અનાથ બાળકને એડોપ્શન રેગ્યુલેશન- ૨૦૨૨ હેઠળ કાયદેસરના માતા-પિતા મળશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦૯: વલસાડ જિલ્લામાં એડોપ્શન રેગ્યુલેશન- ૨૦૨૨ હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે વલસાડ જિલ્લામાં એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝમાં ૨૦૧૫થી રહેતા ૧૨ વર્ષીય બાળકને મૂળ બિહાર અને હાલ રાજકોટમાં રહેતા પરિવારને જિલ્લા મેજીસ્ટ્રેટ, વલસાડ દ્વારા કાયદેસરના માતા-પિતા તરીકે સ્વીકૃતિ આપી એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ અને જે.જે.એકટ-૨૦૧૫ મુજબ આખરી દત્તક વિધાનનો પ્રથમ આદેશ પસાર કરવામાં આવ્યો છે. (દત્તક વિધાન એક પ્રેમાળ વિકલ્પ છે, પણ ગેરકાયદેસર દત્તક વિધાન એ દંડનીય ગુનો છે.)
ભારત સરકાર દ્વારા બાળકોને દત્તક લેવા માટે નવો એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ પસાર કરવામાં આવ્યો છે. જેમાં અનાથ, ત્યજાયેલ અને સમર્પણ કરેલા બાળકો, રીલેટીવ એડોપ્શન તથા સ્ટેપ માતા- પિતા દ્વારા બાળકોને દત્તક લેવાની જોગવાઇ કરવામાં આવેલી છે. આવા બાળકોને ઝડપથી પ્રેમાળ પરિવાર મળી રહે તે હેતુસર નવા નિયમો અનુસાર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને સત્તાઓ આપવામાં આવી છે.
આ પ્રસંગે પ્રોબેશનરી આઈ.એ.એસ. નિશા ચૌધરી, બાળકોના દત્તક વિધાન માટે કામગીરી કરતી કચેરીના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.એમ. ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.આર. પટેલ તેમજ કલેક્ટરશ્રીએ જિલ્લા કક્ષાએ દત્તક વિધાન કામગીરી માટે ફાળવેલી એન.એ.જી શાખાના નાયબ ચીટનીશ એન.એન. પ્રજાપતિ હાજર રહ્યા હતા.