એન.આઈ.આર. ડી.પી.આર.ના કન્સલ્ટન્ટ મોહમ્મદ તકીયુદ્દીને સતત વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા જીપીડીપી પ્લાન બનાવતા પહેલાં રાખનારી કાળજીની આપેલી સમજ
જેમાં એક પણ પૈસો કે ઓછા પૈસાની જરૂરિયાત હોય તેવા કામોની ઓળખ કરી તેને પ્રાથમિકતા આપી પંચાયતોના કાર્યોમાં સામેલ કરવા પણ આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.11 : સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં નેશનલ ઈન્સ્ટીટયૂશન ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (એન.આઈ.આર. ડી.પી.આર.)ના સહયોગથી જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતોના સરપંચો, સભ્યો તથા પંચાયત કર્મીઓ માટે આયોજીત ત્રણ દિવસીય તાલીમ સહ કાર્યશાળાનું આજે સમાપન કરવામાં આવ્યું હતું.
એન.આઈ.આર. ડી.પી.આર.ના કન્સલ્ટન્ટ શ્રી મોહમ્મદ તકીયુદ્દીને આજે માળખાગત સુવિધાની દૃષ્ટિએ આત્મનિર્ભર પંચાયત, સુશાસન સાથેની પંચાયત અને મહિલા ફ્રેન્ડલી પંચાયતની બાબતમાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગઈકાલે તેમણે ચાઈલ્ડ ફ્રેન્ડલી વિલેજ, પર્યાપ્ત જળ સુવિધા ધરાવતીગ્રામ પંચાયત તથા સ્વચ્છ અને હરિયાળી ગ્રામ પંચાયતના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે જરૂરી આયોજનની માહિતી આપી હતી.
કન્સલ્ટન્ટ શ્રી મોહમ્મદ તકીયુદ્દીને વારંવાર અને ભારપૂર્વક પંચાયતી રાજમાં ગ્રામસભાનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે, જરૂરિયાતની ઓળખ ગ્રામસભા દ્વારા થાય છે. તેમણે પંચાયતી રાજ કાયદા હેઠળ મળેલ 29 વિષયોની બાબતમાં પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પંચાયત સ્તરે એવા ઘણાં કામો અને પહેલ એવી છે કે જેમાં એક પણ પૈસો કે ઓછા પૈસાની જરૂરિયાત હોય છે. તેવા કામોની ઓળખ કરી તેને પ્રાથમિકતા આપવા પણ માર્ગદર્શન આપ્યું હતું.
દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહને પણ થોડા સમય માટે ઉપસ્થિત રહી ચૂંટાયેલા સભ્યોને પ્રોત્સાહન પુરૂં પાડયું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ અને બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ સતત હાજર રહી સભ્યોનું માર્ગદર્શન પણ કર્યું હતું.
દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આભાર વિધિ આટોપી હતી અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમોના આયોજનની જરૂરિયાત જણાવી હતી. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશમાં પંચાયતી રાજના થઈ રહેલાસશક્તિકરણ બાબતે પણ પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો હતો.