December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લાની પરિયારી શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષણના સિલેબસથી નહીં, સંસ્‍કારના નિર્માણથી ઉત્તમ નાગરિકનું સર્જન થાય છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

આગામી ગુરૂ પૂર્ણિમાએ બાળકો દ્વારા પોતાના માતા-પિતાના પગ ધોઈ વંદન કરવા અને પોતાના શિક્ષકોને નમન કરવાના સંસ્‍કાર ઘડતરના નવતર કાર્યક્રમનું આયોજન કરવા પ્રશાસકશ્રીનું પ્રદેશના શિક્ષણ વિભાગને સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત શાળા પ્રવેશોત્‍સવ મહોત્‍સવ અંતર્ગત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે દમણની પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલય ખાતે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી શાળાનું પ્રથમ પગથિયું ચડતા પહેલા ધોરણમાં પ્રવેશ લઈ રહેલા નાના ભૂલકાંઓને આદર-સત્‍કાર સાથે વર્ગખંડમાં પ્રવેશ કરાવ્‍યો હતો.
સંઘપ્રદેશના પ્રદેશ સ્‍તરીય આયોજીત શાળા પ્રવેશોત્‍સવ મહોત્‍સવમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના બાળપણના દિવસોને યાદ કરતા જણાવ્‍યું હતું કે, પહેલાં આપણે પણ સ્‍કૂલ જવા માટે ડરતા હતા અને રડતા પણ હતા. પરંતુ હવે સંઘપ્રદેશ પ્રશાસને બાળકોને હસતા-રમતા અને ઢોલ-શરણાઈ સાથે શાળામાં પહોંચે એવા બનાવેલામાહોલથી બાળકોને શાળામાં આવવાનો ઉત્‍સાહ વધ્‍યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લામાં ધોરણ 1માં 1187 બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. તેમણે જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લામાં આ વર્ષમાં નવી પાંચ શાળાઓના નિર્માણનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. સંઘપ્રદેશની તમામ સરકારી વિદ્યાલયોમાં ધોરણ 6 થી 12 અંદર સ્‍માર્ટ ક્‍લાસ બનાવવામાં આવ્‍યા છે અને શૈક્ષણિક વર્ષ 2024-25માં સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં ધોરણ 5માં પણ સ્‍માર્ટ ક્‍લાસ રૂમ બનાવવાનો લક્ષ રાખવામાં આવ્‍યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશની દરેક સરકારી વિદ્યાલયોમાં લાઈબ્રેરી અને રિડીંગ કોર્નર બનાવવામાં આવ્‍યા છે. તેમણે અક્ષયપાત્ર દ્વારા બનાવવામાં આવેલ ભોજન પ્રદેશની તમામ સરકારી અને ગ્રાન્‍ટ ઈન એઈડ શાળાઓના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પ્રશાસકશ્રીએ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાની શાળાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની માતાઓને અક્ષયપાત્રના રસોઈઘરની મુલાકાત માટે આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, મા-બાપ અને શિક્ષક સિવાય દુનિયામાં બીજો કોઈ શ્રેષ્‍ઠ શિક્ષક નથી. તેથી આગામી ગુરૂપૂર્ણિમાએ દરેક બાળકપોતાના મા-બાપને લઈ શાળામાં આવે અને બાળક પોતાના મા-બાપના પગ ધુએ, અંગુઠો ધુએ અને તિલક કરે તથા શાળાના વર્ગશિક્ષકને પણ વંદન કરે આ પ્રકારના નવા વાતાવરણનું નિર્માણ કરવું છે. આજે નહીં પણ પેઢીઓ સુધી આ સંસ્‍કાર કામમાં આવશે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સિલેબસ ભણવાથી જીવનમાં ઉત્તમ નાગરિકનું નિર્માણ નહીં થાય પરંતુ સંસ્‍કારના માધ્‍યમથી જ ઉત્તમ નાગરિકનું નિર્માણ થાય છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ટચૂકડા દાદરા નગર હવેલી અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે લગાવેલી ઊંચી છલાંગની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, અહીં એન્‍જિનિરીંગ કોલેજ, મેડિકલ કોલેજ, લો કોલેજ, એન.આઈ.એફ.ટી., નર્સિંગ કોલેજ, પેરામેડિકલ અભ્‍યાસક્રમ સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશની શાળાઓના ગુજરાત બોર્ડના આવેલા પરિણામની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, પહેલાં આપણો પ્રદેશ બોર્ડમાં છેલ્લા સ્‍થાને રહેતો હતો, પરંતુ હવે ગુજરાત બોર્ડમાં પરિણામોની ટકાવારીની દૃષ્‍ટિથી દમણ અને દીવે બાજી મારી છે. તેમણે જણાવ્‍યું હતું કે, આવતા દિવસોમાં 370 નવા શિક્ષકોની ભરતી સંપૂર્ણ રીતે પારદર્શક અને ગુણવત્તાની દૃષ્‍ટિએ કરવામાં આવશે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશમાં પહેલીવખત 2017માં શરૂ થયેલ પ્રવેશ મહોત્‍સવની પરંપરા ચાલુ રહેવાથી વર્ગખંડમાં પહેલી વખત પ્રવેશ કરતા બાળકોને એક નવા અને તાજગીભરેલા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે અને નાના બાળકોના માનસપટલમાં એક આવકારદાયક ઘટનાની નોંધ આલેખાઈ રહી છે. આ વખતે પણ પરિયારી શાળાના બાળકોને 4 પૈડાવાળી ઘોડાગાડી(બગી)માં બેસાડી બેન્‍ડવાજાની સાથે તિલક લગાવી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્‍કૂલબેગ, નોટબૂક, બુટ-મોજાં, કંપાસબોક્‍સ સહિતની શૈક્ષણિક સામગ્રી પણ પ્રશાસકશ્રીના હસ્‍તે વિતરિત કરવામાં આવી હતી. ધોરણ 1 થી 10ના દરેક ટોપર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પુરસ્‍કાર અને શુભકામના આપી સન્‍માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ સહિત મોટી સંખ્‍યામાં વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશનો અને સમીક્ષા બેઠક બાદ દમણ-સેલવાસના નિર્માણાધીન શૈક્ષણિક સંકુલની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી નગરપાલિકાએ રસ્‍તો રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરી

vartmanpravah

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

વાપી નગરના લોકોએ સતત 20 વર્ષ માટે ભાજપને પાલિકાની શાસન ધૂરા સંભાળવા આપેલો જનાદેશ

vartmanpravah

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

Leave a Comment