વિદ્યાસેતુ છાત્રાલય થકી આદિવાસી બાળકોને શિક્ષણ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાનો અવકાશ પુરો પાડવાનો સરાહનીય પ્રયાસ
(આલેખન સલોની પટેલ-વલસાડ)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ’ આ વાક્ય ખરેખર સાચા અર્થમાં સાકાર થતું જોવું હોય તો ધરમપુરથી 35 કી.મી દૂર અતિ દુર્ગમ વિસ્તારમાં આવેલા ગુંદીયા ગામે આવેલી વિદ્યાસેતુ કુમાર છાત્રાલયની મુલાકાત લેતા જાણવા મળશે. આમ જોઈએ તો શિક્ષકની જવાબદારી પોતાની શાળાના બાળકોને સારૂં અને તમામ પ્રકારનું ઉપયોગી શિક્ષણ આપવા પુરતી સિમિત હોય છે. પરંતુ ધરમપુર તાલુકાના ગુંદીયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પરેશભાઈ અને ખડકી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મયુરભાઈએ શિક્ષણ સાથે શિક્ષણ સેવાની ધૂણી ધખાવી છે. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવા આ શિક્ષકોએ આદિવાસી બાળકોને શિક્ષણ પીરસવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
વ્યવસાયે શિક્ષક એવા મૂળ નવસારીના અને ગુંદીયા ખાતે જ રહેતા શ્રી પરેશભાઈ તેમજ મૂળખેરગામના રહેવાસી શ્રી મયુરભાઈ લગભગ 13 વર્ષથી આદિવાસી વિસ્તારમાં પોતાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવવા ઉપરાંત ફ્રી સમયનો સદ્ઉપયોગ જરૂરીયાતમંદ બાળકોને શિક્ષણ આપવા માટે પોતાની સુઝબુઝ અને ઈનોવેટિવ ફ્રેન્ડ્સ એસોસિએશન સંસ્થાના પ્રમુખ અને અને વડોદરા ખાતે ઈકોનોમિક્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી ઉમેશભાઈ ચૌધરી સહિત સંસ્થાના સભ્યોના સહયોગ થકી વલસાડ જિલ્લાના ધરમપુરના અંતરિયાળ એવા ગુંદીયા ગામ ખાતે વિદ્યાસેતુ કુમાર છાત્રાલયની શરૂઆત કરી છે.
શ્રી પરેશભાઈ, શ્રી મયુરભાઈ અને શ્રી ઉમેશભાઈએ જિલ્લાના આ અંતરિયાળ ગામોમાં શિક્ષણની પરિસ્થિતિ ખુબ જ નજીકથી નીહાળી છે. તેથી એમણે જોયું કે દરેક ગામમાં પ્રાથમિક શિક્ષણ તો મળી જ રહે છે પરંતુ માધ્યમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ આસપાસના ગામોમાં જવું પડે છે. તેમજ અમુક વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિના કારણે તો કોઈક માતાપિતાની છત્રછાયા ગુમાવવાના કારણે આગળનો અભ્યાસ અધુરો છોડી દે છે. ભણવાની ઈચ્છા, ધગશ અને પ્રતિભા હોવા છતાં આ બાળકો આગળ વધી શકતા નથી. તેથી આ બાળકોને જો પાયાની સુવિધા મળે તો તેઓ સારી રીતે અભ્યાસ કરી જીવનમાં આગળ વધી શકે એમ છે એવા વિચારથી શ્રી પરેશભાઈ અને શ્રી મયુરભાઈએ ગામમાં છાત્રાલય બનાવવાની પ્રેરણા મળીઅને તેમણે ગામ લોકો સમક્ષ આ વાત રજૂ કરી હતી. આજના સમયમાં કોઈ પોતાની મિલકત પોતાનાને પણ મફતમાં આપતું નથી, ત્યારે ગુંદિયા ગામના જ રહેવાસી શ્રી માહરૂભાઈ અને એમના પુત્રો શ્રી તુળસીરામભાઈ, શ્રી પાંડુભાઈ અને શ્રી સંતુભાઈ ગાંવિતે માત્ર એક જ રાતમાં છાત્રાલય માટે 1100 ચો.મી. જમીન દાનમાં આપી દીધી હતી. તેઓની બસ એક જ ઈચ્છા છે કે એમના વિસ્તારના બાળકો પણ સમકક્ષ શિક્ષણ મેળવી પગભર થાય અને તે માટે તેઓ હજી આગળ પણ બનતી દરેક મદદ કરવા માટે તૈયાર છે. આ છાત્રાલયમાં આદિવાસી વિસ્તારના માતાપિતાની છત્રછાયા વિહોણા અને ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા 11 બાળકો રહીને એમના સપનાઓને નવો આકાર આપી રહ્યા છે. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાસેતુ છાત્રાલય આ બાળકો અને તેમના શિક્ષણને જોડતો સેતુ બનીને સાથ આપી રહ્યું છે. બધા શિક્ષકોએ પોતાની આવકમાંથી રકમ એકઠી કરીને વર્ષ 2020ના માર્ચ મહિનામાં છાત્રાલયના બાંધકામની શરૂઆત કરી હતી. પરંતુ આ રકમથી માત્ર પાયાનું જ કામ થઈ શકે એમ હતું. તેથી તેમણે આ શરૂઆતના કામને સોશિયલ મિડીયા ઉપર મુકી મદદ માટે અપીલ કરી હતી. સોશિયલ મિડીયામાં જાણ થતાં જ ઠેરઠેરથી એમને નાની મોટી મદદ મળવાનું શરૂ થયું હતું. લોકોએ છાત્રાલયના નિર્માણમાંઉપયોગી દરેક વસ્તુઓનું ખુલ્લા મને દાન કર્યું હતું. બાંધકામમાં ગામના યુવકોએ પણ ખૂબ જ સહકાર આપી એકપણ રૂપિયો લીધા વિના શ્રમદાન આપ્યું હતું. બધાની મહેનત અને ધગશથી 2022ના મે મહિનામાં છાત્રાલયનું સુંદર પાકું મકાન બનીને તૈયાર થઈ ગયું હતું.
છાત્રાલયમાં બાળકોને જરૂરિયાતની દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. સુવા માટે બંક બેડ, દરેક સમયનો નાસ્તો, બપોર અને રાત્રે પોષણયુક્ત ભોજન, વાંચવા માટે જરૂરિયાતના પુસ્તકોવાળી લાઈબ્રેરી, રમતગમતના સાધનો, પાકા ટોયલેટ-બાથરૂમ અને સુંદર ગાર્ડન પણ છે. આ બાળકો પીંડવળ ખાતે માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. તેમને આવવા-જવા માટે વાહનની વ્યવસ્થા છાત્રાલય દ્વારા જ કરવામાં આવી છે. છાત્રાલયનું સંચાલન કરતા શિક્ષકો છાત્રાલયમાં રહેતા બાળકોને વધારાના ક્લાસ દ્વારા અભ્યાસમાં પણ મદદ કરે છે. જમીન દાનમાં આપનારા શ્રી તુળસીભાઈના પુત્ર શ્રી મહેશભાઈ રસોઈયા તરીકે સેવા આપે છે, જ્યારે શ્રી સુરેશભાઈ કે જેઓ શ્રી પરેશભાઈના ક્વાટર્સ પર રહીને અભ્યાસ કરી ગ્રેજ્યુએટ અને બી.એડ.નો અભ્યાસ પૂરો કરી હાલમાં છાત્રાલયમાં ગૃહપતિ તરીકે સેવા આપવાની સાથે સાથે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ પણ કરે છે. લાઈબ્રેરીમાં સરકારી પરીક્ષાઓને લગતા તમામ પુસ્તકો રાખવામાં આવ્યાછે, જેથી આસપાસના ગામના યુવકો અહીં આવી વાંચન કરી પરીક્ષાઓની તૈયારી કરે છે.
શ્રી પરેશભાઈના જણાવ્યા મુજબ, જુલાઈ, 2022થી છાત્રાલયમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા 11 બાળકો રહે છે. જેમાં ધો. 9માં 4(ચાર), ધો. 10માં 1(એક), ધો. 11માં 2(બે) અને ધો. 12માં અભ્યાસ કરતા 4(ચાર) બાળકો છે. આ બાળકોમાંથી 6 બાળકો એવા છે જેમણે માતા કે પિતાનો સહારો ગુમાવ્યો છે, 5 બાળકોના ઘરથી માધ્યમિક શાળા ઘણી દૂર છે અને એમની આર્થિક પરિસ્થિતી ખૂબ જ નબળી છે. આ બાળકો પ્રાથમિક શિક્ષણ પછી અભ્યાસ અધુરો મુકી દે છે. તેથી એમના આગળના શિક્ષણની સાથે રહેવાની સંપૂર્ણ જવાબદારી અમે ઉપાડી છે. આ વિચારથી જ અમે છાત્રાલય બનાવવાની પ્રેરણા મળી હતી અને આજે આ કાર્ય અમે આ બાળકોના ભવિષ્યને નવો માર્ગ આપવા માટે કરી રહ્યા છીએ.
છાત્રાલયની દરેક જવાબદારી ઉપાડવા માટે શ્રી પરેશભાઈ અને શ્રી મયુરભાઈને એમના પરિવાર તરફથી ખુબ જ સહયોગ મળ્યો હોવાથી તેઓ આ કાર્ય ખૂબ જ ધગશથી કરી રહ્યા છે. તેઓ સમાજમાં સમાજ સેવાનું ઉચ્ચ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. એમાં પણ શ્રી પરેશભાઈ તો પોતાની છ વર્ષીય દીકરીને ગુંદિયા પ્રાથમિક શાળામાં જ પહેલા ધોરણમાં અભ્યાસ કરાવી રહ્યા છે. તો શ્રી મયુરભાઈના પત્નીએ પોતાના જન્મદિવસનિમિત્તે છાત્રાલયના દરેક બાળકોને નવા સ્વેટર ભેટ આપ્યા છે. છાત્રાલયના બાળકોના જન્મદિવસ છાત્રાલય ખાતે જ મનાવાય છે તેમજ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો પણ તેમના જન્મદિન પણ અહીં જ મનાવે છે. છાત્રાલયના બાળકો પણ આ શિક્ષકોને પોતાની પ્રેરણા માની મહેનતથી અભ્યાસ કરે છે અને ઉચ્ચ પદ મેળવવાનું ધ્યેય રાખે છે.
શિક્ષક ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણ સાથે સમાજસેવાનું કાર્ય કરે તો તેનું ફળશ્રુતિરૂપ આવી વિદ્યાસેતુ છાત્રાલય જેવી સંસ્થાઓના નિર્માણ થાય છે. આવા સમાજકાર્યોમાં જનભાગીદારી જો નોંધાય તો વધુ ને વધુ શિક્ષણભૂખ્યા વિદ્યાર્થીઓને નવો અવકાશ પૂરો પાડી શકાય છે.