રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિવિધ રાજ્યોના રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ પ્રદેશના ઓલરાઉન્ડ વિકાસને નિહાળી આફરીન પોકારી રહ્યા છે ત્યારે દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને પોતાના પૂર્વગ્રહ કે રાગદ્વેષથી નહીં દેખાઈ રહેલો વિકાસ
ભૂતકાળમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં વહીવટ સિનિયર આઈ.એ.એસ. અધિકારીઓના હસ્તક રહેતો હતો તે વખતે આઈ.એ.એસ. અધિકારીઓને દબડાવી ધમકાવી જે તે વખતના કેટલાક સાંસદો દ્વારા પોતાના નીતિ-નિયમ વગરના કામો કરાવવાનો ટ્રેન્ડ મોટાપાયે દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ચાલ્યો હતો પરંતુ હવે તે વાતનું પુનરાવર્તન થવાની સંભાવના લગભગ નહીંવત છે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં માળખાગત(ઈન્ફ્રાસ્ટ્રક્ચર) સુવિધાથી લઈ શિક્ષણ અને ઉદ્યોગથી માંડી મજદૂર સુધી લગભગ કોઈ સમસ્યા બાકી રહી નથી. દરેક ક્ષેત્રે પ્રદેશના લોકોની અપેક્ષા કરતા અનેકગણો વિકાસ થયો છે અને નિરંતર થઈ રહ્યો છે. છતાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ પોતાના પૂર્વગ્રહ અને રાગદ્વેષથી પ્રશાસનની અને પ્રશાસકશ્રીની ગંભીર ટીકા અને આરોપો લગાવતા જોવા મળીરહ્યા છે.
સંઘપ્રદેશ પ્રશાસન કંઇક ખોટું કરે અથવા નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે અવાજ ઉઠાવવાની અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવાનો પ્રજાના પ્રતિનિધિ તરીકે અબાધિત અધિકાર સાંસદશ્રીનો છે. પરંતુ ફક્ત પૂર્વગ્રહ કે રાગદ્વેષથી ટીકા-ટિપ્પણી કરી અને જાહેરમાં બિન સંસદીય ભાષાનો પ્રયોગ કરી ફક્ત કેટલાક લોકોની વાહ વાહી મેળવવા થતી હરકત પ્રદેશ માટે પણ સારી નથી એવું અમારૂં માનવું છે. કારણ કે, સાંસદશ્રી પાસે કોઈ વહીવટી સત્તા નથી, તેઓએ હંમેશા જિલ્લા પ્રશાસન પાસે અરજકર્તાની જ ભૂમિકા ભજવવાની હોય છે. તેમાં સાંસદ અને પ્રશાસનના ગજાગ્રહમાં સામાન્ય પ્રજાનો મરો થવાનો પણ મોટો ભય રહેલો છે.
આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નામ દરેક જગ્યા અને સ્થળે આદર અને સત્કારપૂર્વક લેવામાં આવે છે. ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દબદબો હોવાનું વર્તમાન સાંસદશ્રીએ પણ મહેસૂસ કર્યું જ હશે. કારણ કે, ગુડવીલ હંમેશા પોતાના કામ અને વ્યવહારથી બનતી હોય છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવેલા મહામહિમ રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો, કેન્દ્રના વિવિધ કેબિનેટ અને રાજ્યસ્તરનામંત્રીઓ, વિવિધ રાજ્યોના સાંસદો વગેરેએ એક અવાજે પ્રદેશના થયેલા અભૂતપૂર્વ વિકાસની નોંધ લઈ ભરપેટ પ્રશંસા કરી છે. જે બતાવે છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ છેલ્લા આઠ-દશ વર્ષમાં ધડમૂળથી બદલાયું છે. તેની સામે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ પોતાની નિષ્ફળતાને ઢાંકવા મનઘડંત આરોપો લગાવી લોકોને ગુમરાહ કરવાની કોશિષ કરી રહ્યા છે જે ખરેખર યોગ્ય નથી અને વખોડવાપાત્ર છે.
જ્યાં સુધી દમણ અને દીવને લાગે વળગે છે ત્યાં સુધી ગત લોકસભાની ચૂંટણીમાં શ્રી ઉમેશભાઈ પટેલની પડખે રહેલા હવે તે પૈકીના મોટાભાગનાનો મોહભંગ થઈ ચુક્યો છે. ગઈકાલે દીવના એક નિવૃત્ત બુઝુર્ગ પત્રકાર મિત્રએ ખુબ જ નિખાલસતાપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણી જીતી ગયા બાદ સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલે જે પરિપક્વતા બતાવવી જોઈતી હતી તે બતાવી શક્યા નથી. તેમણે પ્રશાસન સાથે મળી વિકાસમાં સહભાગી બનવાની આવશ્યકતા હતી તેની સામે ખોટો ખોટો વિરોધ કરી પોતાનું માથું ભીંત ઉપર મારી રહ્યા છે તેમાં તેમને કરતા વધુ નુકસાન પ્રદેશની પ્રજાને થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.
અમે વારંવાર કહી ગયા છીએ કે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો સીધો સબંધ કેન્દ્ર સરકાર સાથે છે. કેન્દ્રમાં જેમનીસરકાર હોય તેમના સાંસદ વિજેતા બને તો ઘણી વસ્તુઓમાં અનુラકૂળતા રહી શકે છે. એટલે જ હંમેશા ડબ્બલ એન્જિનની સરકારનો આગ્રહ રાખવામાં આવે છે.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ અપક્ષ તરીકે ચૂંટાયા હોવા સાથે તેમણે કેન્દ્રમાં અઘોષિત ભાજપને ટેકો અવશ્ય આપ્યો છે, પરંતુ તેમના વાણી અને વર્તનમાં ઘણી વખત કોંગ્રેસનો પણ હાથ દેખાય છે. તેથી તેમની હાજરીની નોંધ ગંભીરતાથી નહીં લેવાતી હોવાની સંભાવના વધુ પ્રબળ છે.
અત્રે યાદ રહે કે, ભૂતકાળમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં વહીવટ સિનિયર આઈ.એ.એસ. અધિકારીઓના હસ્તક રહેતો હતો. તે વખતે આઈ.એ.એસ. અધિકારીઓને દબડાવી ધમકાવી જે તે વખતના કેટલાક સાંસદો દ્વારા પોતાના નીતિ-નિયમ વગરના કામો કરાવવાનો ટ્રેન્ડ મોટાપાયે દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ચાલ્યો હતો. પરંતુ હવે તે વાતનું પુનરાવર્તન થવાની સંભાવના લગભગ નહીંવત છે. કારણ કે, મોદી સરકાર પ્રશાસનમાં હંમેશા પારદર્શકતાનો આગ્રહ રાખે છે. તેથી સંસદમાં પણ મનઘડંત કે પૂર્વાગ્રહોથી થતી રજૂઆતોનું પરિણામ લગભગ શૂન્ય જ આવતું હોય છે. તેથી પ્રદેશના હિતમાં પ્રજાને સમર્પિત બની વિકાસમાં સહભાગી બનવાની આવશ્યકતા ઉપર લોકો એક અવાજે કહી રહ્યા છે.
એક્સ્ટ્રા કોમેન્ટ
દેશની કાયદો ઘડનારી સર્વોચ્ચ સંસ્થા સંસદ છે. તેથી સંસદમાં એક સાંસદ તરીકે પ્રદેશના અને પોતાના જિલ્લાના વિકાસ સબંધી રચનાત્મક સૂચનો અને ક્ષતિઓની રજૂઆતની અપેક્ષા રહે છે. સમસ્યાના નિરાકરણ માટે પણ સાંસદો પોતાનો ઉકેલ બતાવી શકે છે. પણ કેટલાક સાંસદોને સંસદમાં શું રજૂઆત કરવી તેની પણ ગતાગમ રહેતી નથી અને તેઓ ક્ષુલ્લક રજૂઆતમાં સંસદનો કિંમતી સમય બગાડતા હોય છે. ત્યારે દમણ-દીવના સાંસદશ્રી પણ રજૂઆત કરવા યોગ્ય સમસ્યાની ઓળખ કરે એવી પ્રજાજનો અપેક્ષા રાખે એ સહજ છે.