(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલીમાં વસંતપંચમીની તૈયારી માટે કારીગરો દ્વારા સરસ્વતી માતાની મુર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. આવનાર 26મી જાન્યુઆરીએ વસંત પંચમી છે. આ દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ સરસ્વતી પૂજા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે, જ્યારે છ ઋતુઓમાંથી વસંતઋતુ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વસંતઋતુમાં ફૂલો આવે છે અને ખેતરોમાં પણ અનેક પ્રકારના પાક ખીલવા લાગે છે. સાથોસાથ પતંગિયાઓ પણ પાક ઉપર મંડરાતા જોવા મળે છે. વસંતપંચમી વસંતઋતુના મહિનાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવેછે. સરસ્વતી પૂજાનો પાવન ઉત્સવ માઘ મહિનાના શુક્લ પક્ષે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતીનો જન્મદિવસ વસંત પંચમીના દિવસે આવે છે.
આ તહેવાર પર ખાસ દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્વતીને જ્ઞાનની દેવી કહેવામાં આવે છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ સરસ્વતી માતાની પૂજા કરે છે અને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના આશીર્વાદ માંગે છે.
સરસ્વતી પૂજા નિમિત્તે સેલવાસમાં આમલી વિસ્તારમાં મૂર્તિના કારીગરો દ્વારા સરસ્વતી માતાની મૂર્તિ બનાવવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ મૂર્તિઓ સંપૂર્ણ રીતે પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવામાં આવી રહી છે.