પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાના મુખ્ય અતિથિ પદે નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત કાર્યક્રમમાં યુવાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને સાંભળ્યું: યુવાશક્તિને મળનારૂં નવું સ્ટેજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને વિકસીત ભારતનાં નિર્માણની દિશામાં આપણા યુવાનોને એકીકળત કરવાના ઉદ્દેશ્યથી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશને લોન્ચ કરી હતી. આ કાર્યક્રમના જીવંત પ્રસારણને નિહાળવા દમણ જિલ્લા પ્રશાસન દ્વારા સવારે 10:30 વાગ્યે નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશ તેમના વિચારો અને મંતવ્યોને રજૂ કરવા માટે યુવાઓને સામેલ કરવાની પ્રક્રિયાની દિશામાં એક મહત્ત્વનું પગલું હશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિકોણથી દેશના યુવાઓને રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને લક્ષ્યોના નિર્માણમાં સક્રિય રીતે સામેલ કરવાનો છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોલેજોના પ્રિન્સિપાલો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આ ભારતના ઇતિહાસનો એ જમાનો છે જ્યારે દેશ લાંબી છલાંગ લગાવી રહ્યો છે. આપણી આસપાસ એવા કેટલાય દેશોનું ઉદાહરણ છે, જેમણે એક નિશ્ચિત સમયમાં લાંબી છલાંગ લગાવીને પોતાનો વિકાસ કર્યો છે. તેથી હું કહું છું કે, આ ભારતનો સમય છે અને સારો સમય છે. આપણને આ અમૃત કાળના દરેક પળનો લાભ ઉઠાવવાનો છે.
અત્રે યાદ રહે કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં સંઘપ્રદેશોમાં ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે.
નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજોના પ્રિન્સિપાલો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્રસરકારની યોજનાઓની માહિતી અને તેના લાભ દરેક લાભાર્થી સુધી પહોંચાડવાના હેતુથી દેશના ખુણે ખુણે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ ઝારખંડના ખૂંટી ખાતેથી 15 નવેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીલી ઝંડી બતાવીને કર્યો હતો. આ અભિયાનના માધ્યમથી દેશના ખુણે ખુણે લોકોને જાગૃત કરવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે જેના દ્વારા દરેક ઘરો સુધી સરકારી યોજનાઓનો 100 ટકા લાભ પહોંચે. જેની કડીમાં દરેક ગ્રામ પંચાયતોમાં આરોગ્ય શિબિર, આધાર કાર્ડ સેવા સહિતની અન્ય સેવાઓ માટે શિબિરો યોજવામાં આવી રહી છે અને નુક્કડ નાટકો રજૂ કરી લોકોને જાણકારી આપવામાં આવી રહી છે.