કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્યમંત્રી ફગ્ગન સિંઘ કુલાસ્તે એક દિવસના દાનહના પ્રવાસે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્યમંત્રી શ્રી ફગ્ગન સિંઘ કુલાસ્તે દાદરા નગર હવેલી અને દમણ-દીવની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. જેઓ સેલવાસ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જેમનું સ્વાગત સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પ્રદેશ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, ભાજપ પ્રદેશ એસ.ટી. મોર્ચાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ કડુ સાથે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મંત્રીશ્રી ભાજપ કાર્યાલય સેલવાસ અટલ ભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં દાનહ અને દમણ-દીવના પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
અટલ ભવન, સેલવાસ ખાતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્યમંત્રી શ્રી ફગ્ગન સિંઘ કુલાસ્તેની ઉપસ્થિતિમાં ભાજપાના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને લોકસભાની બેઠક ઉપર હાલની સ્થિતિ ઉપર સંગઠનાત્મક ચર્ચા-વિચારણા કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્યમંત્રી શ્રી ફગ્ગન સિંઘ કુલાસ્તેએ બંને પ્રદેશોમાં લાગુ પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજનાઓની માહિતી મેળવી હતી અનેપ્રદેશમાં થઈ રહેલા વિકાસ કાર્યો તથા અહીંની સમસ્યાઓ બાબતે જાણકારી લીધી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ દાનહમા આદિવાસીઓને મળતા લાભો તથા આરોગ્ય અને શિક્ષણની પણ માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્યમંત્રી શ્રી ફગ્ગન સિંઘ કુલાસ્તેએ પ્રદેશની એસ.ટી. મોરચાની રજૂઆતમાં પંચાયતમાં ખાણ ખનીજ બાબતની ચર્ચા કરવામાં આવી અને સંઘપ્રદેશને બીજા રાજ્યોમાંથી રેતી, પથ્થર, માટી, મોર્રમ જેવી સામાન્ય વસ્તુઓ માટે ત્રણગણી રકમ ચૂકવી ઘર બનાવવા માટેનું મટીરીયલ ખરીદવા પડે છે, જેથી ભારતના અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોના નિયમ અનુસાર દાદરા નગર હવેલીમાં પણ એ જ નિયમો લાગુ કરાવવામાં આવે, જેનાથી સ્થાનિક રોજગાર ધંધા ચાલુ થઈ શકે. મંત્રીશ્રીએ પ્રદેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિકાસ બાબતે અને હાલની વાસ્તવિક સ્થાનિક સમસ્યાઓ સાંભળી હતી તેમજ અન્ય વિસ્તૃત માહિતી મેળવી હતી.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્યમંત્રી શ્રી ફગ્ગન સિંઘ કુલાસ્તેએ સંઘપ્રદેશમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓને દૂર કરવા દિલ્હી ખાતેના તેમના મંત્રાલયથી પણ સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ સેલવાસના અટલ ભવન ખાતે ઉપસ્થિત કાર્યકર્તાઓને 2024માં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી બાબતની તૈયારીઓઅંગે પણ માહિતી મેળવી હતી અને માર્ગદર્શન જરૂરી આપ્યું હતું.
અટલ ભવનમાં આયોજિત બેઠકમાં ભાજપના વિવિધ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.