મોતીવાડા અને બગવાડા બંને ઓવરબ્રિજ તૈયાર હોય આ ફાટક કાયમી ધોરણે બંધ થવાની નોબત
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
પારડી, તા.12: પારડી તાલુકાના ઉદવાડાનો રેલવે ફાટક ફરી એક વખત રીપેરીંગની કામગીરીને લઈ આવતીકાલે 13 એપ્રિલ સવારે 8 વાગ્યા થી 3જી મે આમ 20 દિવસ સુધી બંધ રહેશે. ઉદવાડા ફાટક પર રોજના સંઘપ્રદેશ દમણ તેમજ નોકરિયાત વર્ગો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, કામાર્થે જતા વાહનચાલકોનો ભારે ઘસારો જોવા મળે છે. પરંતુ હવે મોતીવાડા અને બગવાડા ખાતે નવા બ્રિજ તૈયાર થઈ ગયા હોય ઉદવાડા ફાટકનો ઉપયોગ કરતા તમામ રોજબરોજના લોકોને કોઈ ઝાઝો ફરક પડશે નહિ. આમ પણ છેલ્લા ઘણા સમયથી કોલક તથા ઉદવાડા ગામથી રેંટલાવ સુધીના તમામ વાપી તથા પારડી તરફ અપ-ડાઉન કરનારાઓએ મોતીવાડા તથા બગવાડા ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે 20 દિવસ માટે બંધ રહેલો આ ઉદવાડા ફાટક હવે લોકો કાયમ માટે બંધ કરી દે અને રેલવે એ ફાટક કાયમ માટે બંધ કરવાની નોબત આવે તો નવાઈ નહી.
સાથે સાથે બગવાડા ઓવરબ્રિજ લોકાર્પણ વિના જ લોકોએ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ વરસોથી ફાટક નજદીક ધંધો કરતા ઓરવાડ-રેંટલાવના નાના વેપારીઓને ધંધામાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.