શોપ ચલાવવા માટે પાલિકાનું તેમજ ફુડ એન્ડ ડ્રગ વિભાગનું લાયસન્સ મેળવવુ ફરજીયાત કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડ નગરપાલિકાએ આજે રવિવારે શહેરમાં કાર્યરત ચિકન-મટન શોપ ઉપર કાર્યવાહી કરી 20 જેટલી દુકાનોને સીલ મારી દિધા હતા. બીજી તરફ શોપ સંચાલકો પણ શનિવારે મળેલી નોટીસો બાદ પાલિકામાં દોડી ગયા હતા. પરંતુ પાલિકાએ હાઈકોર્ટના હૂકમ અન્વયે આજે મટન-ચિકન શોપો બંધ કરાવી દીધી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ પી.આઈ.એલ. બાદ નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, ગુજરાતમાં કાર્યરત તમામ ગેરકાયદેસરની મટન-ચિકન શોપ તાત્કાલિક બંધ કરો તે અન્વયે વલસાડ ન.પા.ને મળેલ પરિપત્ર બાદ સી.ઓ. દ્વારા હૂકમ કરાયા મુજબ આજે સેનેટરી ઈન્સ્પેક્ટર કિશોરભાઈ, મુકેશભાઈ, એક્રોચમેન્ટ અધિકારી મહેશ ચૌહાણએ પંચોની રૂબરૂ 20 જેટલી મટન-ચિકન શોપ સીલ કરી દીધી હતી. મટન માર્કેટ તથા આસપાસમાં કાર્યરત દુકાનો બંધ કરાઈ હતી તેમજ પાલિકાએ જાહેર કર્યું હતું કે મટન-ચિકન શોપ કાર્યરત રાખવી હશે તો દિન ત્રણમાં પાલિકા અને ફુડ-ડ્રગ વિભાગનું લાયસન્સ મેળવવું ફરજીયાત રહેશે. પાલિકાની કાર્યવાહી બાદમટન-ચિકન શોપ સંચાલકો શનિવારે નોટિસો મળ્યા બાદ દોડતા થઈ ગયા છે.