દેસાઈવાડ ગાયત્રી કોમ્પલેક્ષમાં ઘટેલી ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપીમાં બેખોફ બનેલા ચેઈન સ્નેચરની ચિલઝડપ કરવાની ચોંકાવનારી ઘટના આજે સોમવારે બપોરે ધોળા દિવસે ઘટી હતી. એક એપાર્ટમેન્ટની લિફટમાં મહિલા સાથે ઉપર જવા માટે ચઢી ગયેલ શખ્શએ વચ્ચે લિફટ થોભી ત્યારે ઝડપથી મહિલાના ગળામાં પહેરેલ સોનાનું મંગલસૂત્ર ખેંચી એટલી જ ઝડપથી પગથીયા ઉતરીને પવનવેગી ગતિથી ફરાર થઈ ગયો હોવાનો આખો ઘટનાક્રમ સી.સી.ટી.વી.માં કેદ થતા ઘટના પ્રકાશમાં આવી હતી.
વિગતો મુજબ વાપી દેસાઈવાડમાં આવેલ ગાયત્રી કોમ્પલેક્ષમાં ખરા બપોરે સ્નેચર પ્રવેશે છે. પાર્કિંગમાંવાહનો પાસે ઉભા ઉભા મોબાઈલથી વાત કરવાનો નાટકીય ડ્રામા કરે છે ત્યારે એક મહિલા લિફટમાં ઉપર જવા દાખલ થાય છે ત્યારે સ્નેચર મહિલા સાથે ઉપર જાય છે. ત્યારબાદ જેવી લિફટ વચ્ચે થોભે છે ત્યારે એ મહિલાના ગળાનું મંગલસૂત્ર ખેંચીને ઝડપથી સીડીના પગથીયા ઉતરીને ફરાર થઈ જાય છે. મહિલા કંઈક સમજે વિચારે તે પહેલાં જ ક્ષણમાં મંગલસૂત્ર લઈ સ્નેચર અલોપ થઈ ગયો. સ્નેચરે નવી મોડસ ઓપરેન્ડી ઉભી કરી કામ તમામ કરી ગયો હતો ત્યારે વાપીની અન્ય સોસાયટીઓ જાગૃત બનવાનો સંદેશ ઘટના આપી ગઈ છે.