(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : આગામી લોકસભા ચૂંટણી-2024માં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું લોક જન શક્તિ પાર્ટી (લોજપા)એ આજે નક્કી કર્યું હતું. આ અવસરે પ્રદેશ લોજપા(રામ વિલાસ)ના ઉપાધ્યક્ષ શ્રી મિલન ગોરાટ સહિત પાર્ટીના વિવિધ પદાધિકારીઓ, કાર્યકરો અને મીડિયાકર્મીઓ હાજર રહ્યા હતા.
આજે પ્રદેશ લોજપા પ્રમુખ શ્રી રાજન સોલંકીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે પત્રકારોનો સંબોધતા જણાવ્યું હતું કે, એન.ડી.એ.માં ઘટક પક્ષમાં લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એક સહભાગી હોવાને કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભાની બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને અમારૂં સંપૂર્ણ સમર્થન છે અને અમારા તમામ કાર્યકરો સંપૂર્ણ સમર્પણ સાથે ભાજપ માટે કામ કરશે. શ્રી રાજન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે પક્ષના વડા શ્રી ચિરાગ પાસવાનના આદેશ મુજબ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી-2024માં ભાજપનેસમર્થન આપશે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમે ભાજપને ત્યારે જાણ કરીશું. પાર્ટી હાઈકમાન્ડ અને પ્રવર્તમાન સંજોગો જોઈને અમે અમારી વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લઈશું અને પ્રદેશના હિતમાં યોગ્ય હોય તેવા જ પગલાં લઈશું. શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન.ડી.એ.નું 400થી વધુ બેઠકો જીતવાનું સપનુ સાકાર કરવા અમે સંપૂર્ણ કટિબદ્ધ છીએ. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલા સર્વાંગી વિકાસને જોતા લાગે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ટૂંક સમયમાં વિકાસની તમામ ઊંચાઈઓને સ્પર્શ કરશે. અમે તેના તમામ પ્રયત્નો અને કાર્યની પ્રશંસા કરીએ છીએ.