સગાં-સંબંધીઓમાં ઓળખાણ બની રહે તે માટેનો સ્તુત્ય પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ-ડુંગરી ફળિયા ખાતે મામા-માસીના પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રત્યેક કુટુંબોએ એકબીજા સાથે મુલાકાત કરી ઓળખાણ કરી હતી. મામા-માસીના છોકરાઓના કુટુંબીજનો અને વડીલોને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલ રમતો અને ડાન્સના રંગારંગ કાર્યક્રમમાં સૌએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો. આ કાર્યક્રમ થકી -સંબંધીઓ વચ્ચે ઓળખાણ બની રહે સૌ એકબીજાને મળે ઓળખે તેમના વિષે જાણે તેવા શુભ હેતુ માટે આયોજિત કાર્યક્રમમાં સંબંધો જાળવી રાખવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.
આજના મોબાઇલ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે એકબીજાને રૂબરૂ મળવાનું ખૂબ જ ઓછું થઇ ગયું છે. લગ્ન, સગાઇ જેવા પ્રસંગોએ જ રૂબરૂ મળવાનું થતું હોય ત્યારે સરખી રીતે મુલાકાતો અને વાતચીત પણ થતી નથી આજના યુવાઓ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર મોટાભાગનો સમય પસાર કરતા રહે છે, મિત્રો બનાવે છે, પરંતુ રૂબરૂ તો ભાગ્યેજ મળે છે. જેથી સગાં-સંબંધીઓના છોકરાંઓ એકબીજાને કદાચ ઓળખતા પણ નથી. તેવા સંજોગોમાં દરેક પરિવારો આ પ્રકારના કાર્યક્રમો યોજી એકબીજા સાથેના સંબંધો જાળવી રાખે તેવો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.