(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2020 માં ખાનગી ટ્રસ્ટને માસિક ભાડાથી આપવા આવેલ જમીન છેવટની નોટિશ બાદ પણ ખાલી ન કરાતા આ જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવામાંઆવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલીમાં બ્લડ બેંકની બાજુમાં આવેલ જમીન વર્ષ 2020 માં ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને 11-માસના ભાડા કરારથી આપવામાં આવી હતી. આ જમીન માસિક 6,000/- રૂપિયાના ભાડાથી આપવાનું ગ્રામ પંચાયતમાં ઠરાવી બાદમાં મુદતમાં પણ વધારો કરાયો હતો.
ઉપરોક્ત જમીન કલેકટર દ્વારા ફાયર સ્ટેશન તથા બ્લડ બેંક માટે ગ્રાંટ કરવામાં આવી હતી. અને ખાનગી ટ્રસ્ટને અપાતા હેતુફેર પણ થતો હોવાથી ઉપરાંત આ ભાડાથી આપવાના ઠરાવમાં પંચાયતને જ્યારે જરૂરિયાત ઉભી થાય ત્યારે ખાલી કરી આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ હોય વર્તમાન શાસકો દ્વારા આ જમીન ખાલી કરાવી કબ્જો લેવાનું ઠરાવી તે અંગેની તમામ સત્તા સરપંચ વિરલભાઈ પટેલને આપવામાં આવી હતી.
આ દરમ્યાન સરપંચ-તલાટી દ્વારા ખાનગી ટ્રસ્ટને છેવટની નોટિશ આપી જમીનમાં થયેલ બાંધકામ દુર કરી જમીનનો કબ્જો પરત આપવાનું જણાવ્યું હતું. પરંતુ તેમ ન થતા સરપંચ વિરલભાઈ તલાટી કામ મંત્રી જાગૃતિબેન દ્વારા સ્થળ ઉપર જરૂરી પંચકયાસ કરી આ જમીનમાં કરવામાં આવેલ બાંધકામને સીલ મારી દઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.