ગાંધીનગરની તપાસ ટીમે પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય તેને સુધારવા માટે સૂચના આપી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.08: ચીખલીથી ખેરગામને જોડતા મુખ્યમાર્ગ પર વાડ ખાડી પર આવેલ પુલની જર્જરિત હાલત અકસ્માતને નોતરું આપી રહી હોય આ બાબતે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ પણ કરી સૂચના આપી હોવા છતાં સ્થાનિક તંત્રના અધિકારીઓની ઊંઘ નહિ ઉડી હોવાની પ્રતિતિ હાલની પરિસ્થિતિ જોઈને જણાય રહ્યું છે.
ચીખલીથી પસાર થતો ખેરગામ તાલુકાને જોડતો રાજ્ય ધોરી માર્ગ પર વાડ ખાડી નદી પરનો બ્રિજ આશરે 25 વર્ષ જૂનો હોઈ અને હાલમાં જર્જરિત સાથે ખખડધજ રેલીંગમાંથી સળિયા બહાર નીકળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચીખલી તાલુકામાંથી જતો રાજ્ય ધોરી માર્ગ ખેરગામ તાલુકાને જોડતો માર્ગ પર વાડ ખાડી નદીપર વર્ષોથી બનેલો આ બ્રિજને જલ્દી મરામત કરવામાં નહિ આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ બાબતે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારી માહિતી એ મળી કે આ પુલની જર્જરિતા બાબતે ગાંધીનગરની તપાસ ટીમ દ્વારા તપાસમાં આ પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય સુધારા માટે સૂચના આપી હતી.
માત્ર મલાઈદાર કામો અને ટકાવારીમાં જ રસ દાખવતા સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા આ બાબતે સમારકામ બાબતે નીરસ વલણ જ દાખવ્યું જેના પાપે આજે પણ આ પુલની હાલત જોખમી જણાય રહી છે.
ઉચ્ચ અધિકારીઓના આદેશની પણ અવગણના કરનાર સ્થાનિક તંત્રને ઉચ્ચ અધિકારીઓ ફરજના પાઠ શીખવે તે આવશ્યકતા વર્તાય રહી છે.