સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત વચ્ચે ગોવા-દમણ-દીવ રાજ્ય સમયના દમણમાં ગોવા ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) દ્વારા જમીન સંપાદનની બાકી રકમ અંગે થયેલી ફળદાયી ચર્ચા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પણજી, તા.10 : સંઘપ્રદેશ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પણજીમાં ગોવા રાજ્યના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે દમણ-દીવને લગતા બે મહત્વના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. જેમાં ગોવા રાજ્યના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સંઘપ્રદેશ થ્રીડીના સફળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગોવા રાજ્યના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે બંને પ્રદેશ માટે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને લઈને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગોવા રાજ્યના અધિકારીઓન ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શ્રી પ્રફુલ પટેલે દાયકાઓ જૂના ગોવા-દમણ-દીવ સંયુક્ત રાજ્યના સમયના સોમનાથ ઈન્ડસ્ટ્રીયલએસ્ટેટ જે તત્કાલિન ગોવા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) દ્વારા ભૂમિ સંપાદન કરીને સ્થાપવામાં આવેલ હતી, તે જમીન સંપાદનની બાકી રકમ અંગેના પ્રશ્નના ઉકેલ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણાં કરી હતી. આ સાથે ગોવા સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પાસેથી દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડની બાકી રકમ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આ બંને મુદ્દાઓમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે તેમના તાબાના અધિકારીઓને આ બંને મુદ્દાઓને વહેલી તકે ઉકેલવા નિર્દેશ આપ્યો હતો.
આ પહેલાં ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ખુબ જ સારા સંબંધો ધરાવે છે. જેના કારણે હંમેશા સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપને ફાયદો થયો છે અને આજે ફરી એકવાર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સારા સંબંધોના કારણે દમણની દાયકાઓ જૂની જમીન સંપાદનની બાકી રકમ અને દમણ-દીવસ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ. કે ગોવા બેંકમાંથી બાકી નીકળતી રકમ ઉકેલાય તેમ જણાય છે.