મોદી સરકારનું આ બજેટ ખેડૂતો, મહિલાઓ, સીમાંત વર્ગો અને મધ્યમ વર્ગને સહાય પૂરી પાડવાની પ્રાથમિકતા સાથે વિકાસ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરનારૂં છેઃ વરૂણ ઝવેરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં સેલવાસ ખાતેના કલા કેન્દ્રના ઓડિટોરિયમમાં ‘કેન્દ્રીય બજેટ-2023-24′ વિષય ઉપર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય પ્રભારી પોલિસી એન્ડ રિસર્ચ તેમજ દાનહ અને દમણ- દીવ પ્રદેશ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રભારી શ્રી વરુણ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે દીપ પ્રાગટયથી કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, અમૃત કાળમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા રજૂકરવામાં આવેલ આ શ્રેષ્ઠ બજેટ છે. તેમજ આ બજેટને આગામી પચ્ચીસ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
શ્રી દીપેશભાઈ ટંડેલે વધુમાં જણાવ્યું હતું કે, બજેટની વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ દેશભરમાં સંવાદ કરી રહી છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સેમિનારોનું આયોજન કરી રહ્યા છીએ. જેમાં બે કાર્યક્રમો દીવ જિલ્લામાં પૂર્ણ કરાયા છે અને એક કાર્યક્રમ દમણની કોલેજમાં યોજવામાં આવ્યો છે. જ્યારે સેલવાસમાં આ પ્રથમ સંવાદ સંમેલન યોજાઈ રહ્યું છે અને ભવિષ્યમાં વધુ કાર્યક્રમો યોજાનાર છે.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા શ્રી વરુણ ઝવેરીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, મોદી સરકારનું અમૃત કાળનું આ બજેટ ખૂબ જ પ્રભાવશાળી છે, તેના દ્વારા કેન્દ્ર સરકારે જનહિતમાં ઘણાં પગલાં લીધાં છે જેમાં મહિલાઓ માટે ઘણાં કામો થયા છે, મહિલા સ્વ આરોગ્ય જૂથો દેશભરમાં સારૂં કામ કરી રહ્યા છે, દેશના ખેડૂતો માટે ઘણી મહત્વાકાંક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ ખેડૂતો, મહિલાઓ, સીમાંત વર્ગો અને મધ્યમ વર્ગને સહાય પૂરી પાડવાની પ્રાથમિકતા સાથે વિકાસ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિતકરે છે. બજેટ મધ્યમ વર્ગના લોકો માટે આવકવેરા મુક્તિ મર્યાદાને વધારીને રૂા.7 લાખ અને અન્ય કેટલાક કર સુધારાઓ નોકરી શોધનારાઓ અને નિવૃત્તોને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. તેમજ તેમને રાહત થશે. શ્રી વરૂણ ઝવેરીએ જણાવ્યું હતું કે, હું કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન કલ્યાણના કાર્યો માટે અભિનંદન આપું છું. દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, રોડ, રેલ, વીજળી, આરોગ્ય, શિક્ષણ અને કળષિ સંબંધિત મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલ રોકાણ એક સીમાચિホરૂપ સાબિત થશે. ઉપરાંત, જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ઉપયોગી ખાતરોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રૂા.2200 કરોડના સ્વનિર્ભર સ્વચ્છ યોજના કાર્યક્રમ, વૈકલ્પિક ખાતરો અને પી.એમ. પ્રણામ યોજના માટે જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં સરકાર ફાર્માસ્યુટિકલ્સ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કરશે, જે આરોગ્ય સેવાઓને મજબૂત બનાવશે.
શ્રી વરૂણ ઝવેરીએ ખાસ જણાવ્યું હતું કે, આ બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને એમએસએમઈના ઉત્થાનને પ્રોત્સાહન આપશે તેમજચાલુ નાણાંકીય વર્ષમાં સારૂં સંતુલન લાવશે. આ એક પ્રગતિશીલ બજેટ છે, જે તમામ માપદંડોને પૂર્ણ કરે છે. આનાથી ભારતના વિકાસ મિશનને બળ મળશે. આ બજેટ તમામ માટે પ્રોત્સાહક બજેટ છે. જેમાં નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 2023-24ના બજેટની 7 મુખ્ય પ્રાથમિકતાઓને સૂચિબદ્ધ કરી છે જેમાં ‘‘સમાવેશક વૃદ્ધિ”, ‘‘છેલ્લા માઈલ સુધી પહોંચવુ”, ‘‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ”, ‘‘અંતિમ છોડ સુધી પહોંચવું”, ‘‘ગ્રીન ગ્રોથ”, ‘‘યુવા અને નાણાંકીય ક્ષેત્ર”ને ગણાવ્યા છે અને વિશ્વએ ભારતને એક ચમકતા સિતારા તરીકે ઓળખાવ્યું છે, કારણ કે, વર્તમાન નાણાંકીય વર્ષ માટે આપણો આર્થિક વિકાસ 7.0 ટકા હોવાનો અંદાજ છે, જે કોરોના મહામારી અને યુદ્ધના કારણે મોટી વૈશ્વિક મંદી હોવા છતાં તમામ મોટા અર્થતંત્રોમાં સૌથી વધુ છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેશ આગરીયા, ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદા, શ્રી હિતેશ લાડ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી વિશાલ પટેલ, દમણ જિ.પં.ના સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ સહિત ભાજપા અન્ય પદાધિકારીઓ, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.