> પ્રથમ દિવસે રમાયેલી બોયઝ અંડર-15માં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલનો ફાધર એગ્નેલો સામે 2-0થી વિજય > પ્રથમ દિવસે રમાયેલી બોયઝ અંડર-૧૫માં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલનો ફાધર ઍગ્નેલો સામે ૨-૦થી વિજય < અંડર-૧૭ બોયઝમાં હોલી ટ્રિનિટી સ્કૂલનો સનરાઈઝ સ્કૂલ સામે ૧૫-૦થી ભવ્ય વિજય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગ, દમણ દ્વારા પ્રદેશ સ્તરીય સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી.ના માર્ગદર્શનમાં અને યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણ જિલ્લાની શાળાઓના છોકરાઓ અંડર-15 અને 17, છોકરીઓ અંડર-17ના ખેલાડીઓ માટે 24 જૂનથી 27 જૂન, 2024 સુધી દમણ જિલ્લા સ્તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પસંદગી પ્રક્રિયા કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રમત-ગમત વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવારે જણાવ્યું હતું કે, સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ભારતના વાયુસેના અધ્યક્ષ શ્રી સુબ્રોતો મુખરજીની યાદમાં સુબ્રોતો મુખરજી સ્પોર્ટ્સ સોસાયટી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ દેશમાં જુનિયર શ્રેણીની મહત્વની ટુર્નામેન્ટ છે.
દમણ જિલ્લા સ્તરીયપ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્ટના પહેલા દિવસે અંડર-15 છોકરાઓની રમતમાં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ અને ફાધર એગ્નેલો સ્કૂલ વચ્ચે રમાઈ હતી, જેમાં કોસ્ટ ગાર્ડ પબ્લિક સ્કૂલ 2-0થી વિજયી બની હતી. જેમાં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ તરફથી વરુણ અને આયુષે 1-1 ગોલ કર્યા હતા.
બીજી મેચ માછી મહાજન સ્કૂલ અને સનરાઈઝ સ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં માછી મહાજન સ્કૂલ 9-0થી વિજેતા બની હતી. માછી મહાજન સ્કૂલ તરફથી પ્રશાંતે શાનદાર 4 ગોલ, મોહિતે 2 ગોલ, અભિષેકે 2 ગોલ અને કૃષ્ણાએ 1 ગોલ કર્યો હતો.
અંડર-17 છોકરાઓની સ્પર્ધામાં પ્રથમ મેચ હોલી ટ્રિનિટી સ્કૂલ અને સનરાઈઝ સ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં હોલી ટ્રિનિટી સ્કૂલે 15-0થી ભવ્ય વિજય મેળવ્યો હતો. જેમાં સનરાઈઝ સ્કૂલ તરફથી રમતા રેહાને 6 ગોલ, હિમાંશુએ 3 ગોલ, હેમાંગે 4 ગોલ અને મેષરે 1 ગોલ કર્યો હતો.
દમણ જિલ્લા સ્તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે તાલુકા ખેલ સંયોજક શ્રી દેવરાજ સિંહ રાઠોડ, વિભાગના ફૂટબોલ કોચ શ્રી સોહિલ અને વિવિધ શાળાઓના શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકો તેમનું યોગદાન આપી રહ્યા છે.