કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલ્ફેરના સચિવ એમ.વી.પરમારે બાળકોને પોષક તત્ત્વથી ભરપૂર આહાર ગ્રહણ કરવા અને નિયમિત વ્યાયામનું પાલન કરવા આપેલી સલાહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્યના મહત્ત્વ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્યમ શાળામાં ગઈકાલ સોમવારે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલ્ફેરના સચિવ શ્રી એમ.વી.પરમાર કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ પદે વક્તવ્યઆપતાં શ્રી એમ.વી.પરમારે ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, સિકલ સેલ એનિમિયા, વિટામિન-એ ની ઉણપથી ઉત્પન્ન થતી બીમારી છે. તેમણે પોષણથી શરીરમાં થતી વિભિન્ન સમસ્યાઓ અંગે પણ જાણકારી આપી હતી. બાળકોને પોષક તત્ત્વથી ભરપૂર આહાર ગ્રહણ કરવા અને નિયમિત વ્યાયામનું પાલન કરવાની સલાહ પણ આપી હતી. શ્રી પરમારે વિદ્યાર્થીઓને સસ્તા અને સરળ આહાર પસંદગી કરવાની રીત, શુદ્ધ પાણીની આવશ્યકતા અને સ્વચ્છ પર્યાવરણના મહત્તવ અંગે વિસ્તૃ સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોષણ યુક્ત આહાર ગ્રહણ કરવાથી આપણી આરોગ્ય સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક બદલાવ પણ આવતો હોય છે.
આ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ ‘ઉમદા પોષણ, સ્વસ્થ આરોગ્ય’ વિષય પર વક્તવ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને એમને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અવસર આપવાનો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોષણ, આરોગ્ય અને સ્વચ્છતાનું મહત્ત્વ અંગે પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ માઈક્રોફાઈબર કોર્પ દ્વારા પૌષ્ટિક ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે કંપનીના એચ.આર.મેનેજર શ્રીઅમોદ ટી.સિંહ, શ્રી પાલ, ક્વોલીટી કંટ્રોલ મેનેજર શ્રી એમ.વી.પરમાર, શાળાના આચાર્ય શ્રી દોલતસિંહ સોલંકી સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પટાવાળા ઉપસ્થિત રહ્યા હતા.