(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.21: ભારત સરકારના સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ 15 ઓગસ્ટ 2020 નાં રોજ ભારતના 272થી પણ વધૂ જિલ્લાઓમાં ‘‘નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત કરવામાં આવેલ હતી. હાલ ભારતના લગભગ 372 જિલ્લાઓમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા વિશે જાગૃતતા ફેલાવવાનો છે.
‘‘નશા મુક્ત ભારત અભિયાન” હેઠળ દીવ જિલ્લાની પણ પસંદગી કરવામાં આવેલ છે અને તેનું અમલીકરણ દીવ જિલ્લામાં કરવામાં આવેલ છે, અને આ અભિયાન હાલ દીવ જિલ્લામાં પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે યૂથ અને સ્કૂલમાં અભ્યાસ કરતાવિદ્યાર્થીઓની ભૂમિકા પણ મુખ્ય અને મહત્વપુર્ણ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેઓ પોતાના ગામ અને આસ-પાસના વિસ્તારોમાં ગ્રાસરૂટ્સ સ્તરે જઈ સમાજમાં બહોળી સંખ્યામાં નશા મુક્ત ભારત અભિયાન વિશે તેમજ વિવિધ પ્રકારના નશાકારક પદાર્થના દુરૂપયોગથી થતા નુકશાન અંગે લોકોમાં તેમજ સમાજમાં જાગૃતતા ફેલાવે તેવો છે.
નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દીવ જિલ્લા સમાહર્તા અને નશા મુકત ભારત અભિયાનના અધ્યક્ષ શ્રી ફરમન બ્રહ્માના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ તેમજ ઉપરોક્ત દર્શાવેલ મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરતા સિનીયર સ્ટેટ કો-ઓર્ડીનેટર અને સ્ટેટ કો-ઓર્ડીનેટરના સંયુક્ત પ્રયાસોથી આજરોજ સરકારી સર્વોતમ ઉચ્ચત્તર માધ્યમિક શાળા (બોયસ), વણાકબારા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ પર સંવેદનશીલતા અને જાગૃતતા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું પ્રતિનિધિત્વ કરતા રિસોર્સ પર્સનો દ્વારા નશા મુક્ત ભારત અભિયાનના અમલીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય તેમજ વિવિધ પ્રકારના નશા અને તેના દુરૂપયોગથી માનવશરીરમાં થતા નુકશાન વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. વધૂમાં તેઓ દ્વારા વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય વિશે પણ વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
આજના આ કાર્યક્રમમાં શાળાના ઈન્ચાર્જ હેડ માસ્તર શ્રી ચંદુલાલ એચ. બારિયા, સિનીયર સ્ટેટ કો-ઓર્ડીનેટર પ્રજ્ઞા જૈન, સ્ટેટ કો-ઓર્ડીનેટર અન્નુ મોર્ય, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રયી ભટ્ટ વગેરે અધિકારીઓએ અતિથિ તરીકે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને યોગદાન પૂરું પાડ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રયી ભટ્ટની દેખરેખ હેઠળ યોજવામાં આવેલ હતો.

Previous post