(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીખેડ ગામમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો હતો.
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કાર્યરત ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ‘‘બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત થતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે શિક્ષણ તેમજ આરોગ્યની માહિતી પણ આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીશ્રીની વિવિધ યોજનાઓની તેમજ તેમના લાભો કેવી રીતે લેવા તેની માહિતી પણ આપવામાં આવી હતી. કુણાલભાઈ ગાંધી, ડેવલપમેન્ટ ઓફિસર અને ઉર્જાબેન પટેલ, એક્ઝિક્યુટિવ ઓફિસર, શ્રીમદ્ રાજચંદ્ર-ધરમપુર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સની માહિતી આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12પછી કયા વિષય સાથે આગળ વધી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તેમજ ઔદ્યોગિક ક્ષેત્ર અને વ્યવસાયમાં પણ સફળતા મેળવી શકે તેની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને વિડીયો દ્વારા કેરિયર ગાઈડન્સ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનનો સ્ટાફ, શ્રીમદ્ રાજચંદ્ર ધરમપુરનો સ્ટાફ, માધ્યમિક શાળા-દહીંખેડ આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.