‘મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં..’ લોકોએ માતૃભાષામાં હસ્તાક્ષર કરવાનો લહાવો લીધો: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિશેષ સંદેશો મોકલ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: ધરમપુરના આંગણે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડ તથા સાહિત્ય પ્રભાત, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ‘મહેકે માતૃભાષા’ના નામે કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્સવ અહીંના લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં ઉજવાયો હતો. જેમાં જાણીતા કવિઓ અને સમગ્ર જિલ્લાના સાહિત્ય રસિકોએ મન ભરી કાર્યક્રમ માણ્યો હતો.
નગરના હાર્દ સમાં ધરમપુર શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી મહેકે માતૃભાષા એવા સુંદર નામ સાથે કવિ સંમેલન યોજાયું હતું. કવિ સંમેલનના પ્રારંભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૂજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાના માતૃભાષા અંગે પ્રેરક સંદેશ પ્રસારિત થયા હતા. કવિ સંમેલનમાં કવિગણ અરવિંદભાઈ ભટ્ટ, ડૉ. હરીશ ઠક્કર, પ્રજ્ઞા વશી, સંદીપ પૂજારા તથા ડૉ.ભાવેશ વાળાએ કાવ્ય પાઠ કર્યો હતો. શ્રોતાજનોની મળતી રહેલી દાદને પરિણામે કવિઓ ખૂબ ખીલ્યા હતા. આ કવિસંમેલનનું સંચાલન ઉત્તમ ઉદઘોષક, ગાયક, કવિશ્રી કિરણસિંહ ચૌહાણે કર્યુ હતું. અને વચ્ચે વચ્ચે પોતાની કવિતાઓ અને પંક્તિઓ દ્વારા આખા કાર્યક્રમને જીવંત બનાવી રાખ્યો હતો. રાત્રીના 11.45 સુધી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં મોટી સંખ્યમાં હાજર રહેલા સાહિત્ય પ્રેમીઓએ કવિઓની ગમતી કવિતાઓ રજૂ કરવા પણ માંગણીઓ કરી રહ્યા હતા, જેથી કવિ સંમેલન જીવંત બની રહ્યું હતું. વર્ષોથી અહીંયા થતા કવિ સંમેલનો અને સાહિત્યના કાર્યક્રમોને કારણે ધરમપુરનું નામ આજે સમગ્ર ગુજરાતમાં અને સાહિત્ય-જગતમાં વિશેષ સન્માનથી લેવાઈ રહ્યું છે એ નોંધનીય બાબત છે.
ધરમપુરની પૌરાણિક લાઈબ્રેરીમાં કાર્યરત બાળ લાઈબ્રેરીને તાજેતરમાં મોતીભાઈ અમિન શ્રેષ્ઠ બાળ લાઈબ્રેરીનું રાજ્ય કક્ષાનું પ્રથમ ઈનામ મળ્યું હતું એ માટે ગ્રંથપાલ નિમેશ ભટ્ટનું વિશેષ જાહેર સન્માન ઉપસ્થિત તમામ કવિઓ અને પાલિકાના પદાધિકારીઓએ દ્વારા કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.
સાહિત્ય પ્રભાત તથા જાયન્ટ્સ ગ્રુપ ઑફ વલસાડના સૌ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. સાહિત્ય રસિકજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપ ‘મારા હસ્તાક્ષર મારીમાતૃભાષામાં..’ આ શ્વેત ફલક પર લોકોએ માતૃભાષામાં હસ્તાક્ષર કરવાનો લહાવો લીધો હતો.
-000-