પારડી સાંઢપોરમાં રહેતા પ્રકાશ નટુભાઈ જાદવ પત્ની સાથે બાઈક ઉપર દુકાને જતા હતા ત્યારે એસ.ટી. બસે ટક્કર મારી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વલસાડ કલ્યાણ બાગ સર્કલ પાસે બાઈક ઉપર જઈ રહેલ દંપતિને એસ.ટી. બસે ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલ પતિને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં લાંબી સારવાર બાદ સોમવારે સાં્જે મૃત્યુ થતા પરિવારમાં શોકની કાલીમા ફેલાઈ જવા પામી હતી.
વલસાડમાં પારડી સાંઢપોર ગામે રંગનગર રહેતા પ્રકાશભાઈ નટુભાઈ જાદવ તેમની પત્ની રેખાબેન સાથે ઘરેથી દુકાન જવા નિકળ્યા હતા તે દરમિયાન કલ્યાણબાગ સર્કલ ઉપર દંપતિના બાઈક નં.જીજે 15 ડીક્યુ 4505 ને પુરઝડપે આવી રહેલ ધરમપુર જવા નિકળેલી બસ નં.જીજે 18 ઝેડ 6928 ના ચાલકે દંપતિની બાઈકને ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. દંપતિની બાઈક બસના આગળના ટાયરમાં આવી ગઈ હતી. 60 ફૂટ દંપતિ ઘસેડાયેલ તો પણ બસ ડ્રાઈવરે બસ ઉભી રાખી નહોતી. અંતે આગળ જઈ બસ છોડી ભાગી ગયો હતો. એકઠા થયેલા લોકોએ ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશભાઈને રીક્ષામાં કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં ચાર-પાંચ દિવસની સારવાર બાદ સોમવારે સાંજે દમતોડતા પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયા છે.