કોઈ ક્રૂર ઈસમે બળદને કુહાડી ઝીંકી દીધા બાદ અગ્નિવિર ગૌરક્ષકની ટીમે બળદનું રેસ્ક્યુ કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: અમાનુષી અને ક્રુરતા માનવીમાં કેટલી ભરેલી છે? તેવીસત્યતાને ઉજાગર કરતો બનાવ આજે ગુરૂવારે વલસાડ-સરોણ ગામ સિમમાં બન્યો હતો. કોઈ ક્રૂર ઈસમે બળદ ઉપર કહોઢીનો જબરદસ્થ વાર-ઘા કરીને ફરાર થઈ ગયો હતો. વેદનાથી કણસતો શરિરમાં કહોઢી ભોંકાયેલી હાલતમાં ફરી રહેલા બળદ ઉપર જીવદયા પ્રેમીની નજર પડી ગઈ હતી તેથી તેણે અગ્નિવિર ગૌરક્ષક દળને આ હકિકતની જાણ કરતા અગ્નિવિર ગૌરક્ષકની ટીમ ઘટના સ્થળે દોડી આવીને બળદનું રેસ્ક્યુ કર્યું હતું.
સરોણ ગામે હાઈવે ઉપર બળદ અંગેની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી અગ્નિવિર ગૌરક્ષા ટીમના સ્વયં સેવકોએ બળદની બરડા ઉપર ફસાયેલી કહોઢી શાંતિપૂર્વક કાઢી હતી. ત્યાર બાદ રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કહોઢીનો કબજો લઈ અજાણ્યા ઈસમ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ અગ્નિવિર ગૌરક્ષક ટીમ બળદને ટેમ્પોમાં પશુચિકિત્સક પાસે લાવી હતી. તબીબે ઓપરેશન કરી બળદની સારવાર કરી દર્દ મુક્ત કર્યો હતો. માનવતા શર્મસાર કરતી બનેલી ઘટનાથી લોકોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.