(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના નોગામા ગામે તળાવમાંથી મોટા પાયે માટી ઉલેચાતા સ્થાનિકો દ્વારા નજીકમાં આવેલા ઘરો અને ખેતીની જમીન ઘસી જવાની દહેશત વ્યક્ત કરી ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી તપાસની માંગકરવામાં આવી હતી. આ સંદર્ભે સ્થળ સ્તિતિનો પંચકયાસ સાથે પ્રાંત અધિકારી દ્વારા મદદનીશ ભૂસ્તર શાષાીની કચેરીને અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત સ્થિતિમાં સ્થાનિકોની લેખિત રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરી સ્થળ પર એટલે કે તળાવમાં જરૂરી માપણી કરી ખરેખર કેટલા ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવેલ છે અને કેટલા મેટ્રિક ટનની મંજૂરી સામે ખરેખર કેટલા મેટ્રિક ટન માટી ઉલેચવામાં આવી છે. તે હકીકત બહાર લાવી માટી ઉલેચનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે જોવું રહ્યું.
નવસારીના મદદનીશ ભૂસ્તર શાષાી પી.આર. ખાંભલાના જણાવ્યાનુસાર નોગામા ગામે તળાવમાંથી માટી ખનન અંગેનો પ્રાંત અધિકારીશ્રીનો અહેવાલ મળ્યો નથી. અહેવાલ મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.
