(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના તલાવચોરા રાજા ફળીયાની 22-વર્ષીય પ્રિયંકાબેનના લગ્ન 23-ફેબ્રુઆરીના રોજ યોજવાના હતા. તેના ચાર દિવસ પૂર્વે તેનાઘરની પાછળ તળાવના પાણીમાંથી તેની લાશ મળી આવી હતી. જેમાં શરૂઆતમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી. મરનાર યુવતીનો ફોન ફોરમેટ મારી તમામ ડેટા ડીલીટ કરી દેવાયા હતા. જેથી ડેટાની રિકવરી માટે પોલીસ દ્વારા ફોન સાયબર સેલમાં મોકલવામાં આવેલ છે.
આ દરમ્યાન પોલીસે સાદકપોર ગોલવાડમાં રહેતા એક યુવકની પુછપરછ હાથ ધરી હતી. આ યુવકે બનાવની રાત્રીએ અગિયારેક વાગ્યાના અરસામાં યુવતી સાથે ફોન પર વાત કરી હતી. જોકે આ યુવક તે સમયે ખેરગામના નાંધઇ ભૈરવી વિસ્તારમાં હતો અને તેની સાથે હાજર અન્ય બે મિત્રોના પણ પોલીસે નિવેદન લઇ તપાસ કરી રહી છે.
જોકે સમગ્ર મામલે પીએમ રિપોર્ટ પણ પાણીમાં ડૂબી જવાથી જ મોત નીપજ્યું હોવાનો આવ્યો છે. ત્યારે હવે મોબાઈલના ડેટા રિકવર થાય તેના પર મુખ્ય મદાર રહેશે પોલીસે તલાવચોરા રોડ પરના બનાવની રાત્રીના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે. ત્યારે યુવતીએ તળાવમાં મોતની છલાંગ જાતે લગાવી હશે કે પછી તે માટે તેને મજબુર કરવામાં આવી હશે કે પછી કોઈકે ધક્કો માર્યો હશે? તેવા અનેક સવાલો આજે પણ વણ ઉકેલ્યા છે. ત્યારે પોલીસ ગંભીરતા દાખવી સાચી હકીકત બહાર લાવી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરે અનેએક આશાસ્પદ યુવતીના અપમૃત્યુની સાચી વિગત બહાર આવે તે જરૂરી છે.