શ્રધ્ધા અને સબુરીના વિશ્વાસ સાથે સાંઈ બાબાના ભવ્ય મંદિરનો પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ અને આગેવાન નેતા વિશાલભાઈ ટંડેલે પ્રગટ કરેલો ભરોસો વરકુંડ મોટા ફળિયા પ્રગતિ મંડળના અધ્યક્ષ હિરાલાલ ભક્તિના માર્ગદર્શનમાં થનારૂં સાંઈ મંદિરનું નિર્માણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: ગઈકાલે વરકુંડ ગામ મોટા ફળિયા પ્રગતિ મંડળ દ્વારા ગામમાં આવેલ શ્રી સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને આગેવાન નેતા શ્રી વિશાલભાઈ ટંડેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં વરકુંડ ગામ મોટા ફળિયા પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી હિરાલાલ ભક્તિના નેતૃત્વમાં યોજાયેલ કાર્યક્રમમાં દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે સાંઈ બાબાના ભવ્ય મંદિરનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાંઈ બાબા ઉપર શ્રધ્ધા રાખો અને સબુરીથી તમારા તમામ કામો પૂર્ણ થશે.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા આગેવાન નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે પોતે પણ એક સાંઈ ભક્ત હોવાનું જણાવી સાંઈ બાબાના મંદિરના નિર્માણમાં કોઈપણ પ્રકારની તકલીફ નહીં આવશે એવી શ્રધ્ધા પ્રગટ કરી હતી.આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મહેતા, ડો. વિજયભાઈ પટેલ, દમણ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી પિયુષભાઈ પટેલ, વરકુંડ ગ્રામ પંચાયતના આગેવાન શ્રી નવિનભાઈ કામલી, શ્રી રુદ્રેશ હરિભાઈ ટંડેલ, શ્રી પ્રકાશભાઈ કામલી, શ્રી રમેશભાઈ કામલી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.