(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વાપી નગરપાલિકાના ઘરવેરાવિભાગની ટીમે આજે ડુંગરા વિસ્તારમાં વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 23 મિલકતોને તાળાં મારી સ્થળ ઉપર જ રૂા.2.40 લાખની વસૂલાત કરી હતી. વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ વેરા વસૂલાત માટે ટીમો બનાવી કામગીરી સઘન કરી છે. તથા રજાના દિવસોમાં વેરો ભરી શકાય એવી વ્યવસ્થા ગોઠવી છે. પાલિકાની ટીમે આજે ડુંગરા વિસ્તારમાં વેરા વસૂલાત અભિયાન ચલાવ્યું હતું. અને દુકાનો તથા ઓફિસોને તાળાં મારી મિલકત માલિકોને વેરો ભરી જવા તાકીદ કરી હતી. ડુંગરા ખાતે આવેલ મુસા માર્કેટના બિલ્ડીંગો દારૂલ તકવા, દારૂલ મરવા, દારૂલ ઈમાન અને દારૂલ સફા ઉપરાંત ડુંગરી ફળિયામાં કે.જી.એન. પ્લાઝા, શ્રી સાઇશ્રધ્ધા પ્લાઝા વગેરે કોમ્પલેક્સના બાકીદારોને વેરો ભરવા અગાઉ નોટીસો આપવામાં આવી હતી. પરંતુ વેરો ના ભરતા કાર્યવાહી કરી હતી. જેમાંથી 6 બાકીદારોએ સ્થળ પર જ રૂા.1.40 લાખનો વેરો ભરી દીધો હતો. બાકીની 9 દુકાનો અને 14 ઓફિસોને સીલ મારવામાં આવ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરની ટીમ વેરા વસૂલાતને વેગ આપી રહી છે. વાપી, ચલા અને ડુંગરાના બાકીદારોને કાર્યવાહીથી બચવા પોતાનો બાકી વેરો ભરી દેવાનગરપાલિકા દ્વારા વિનંતી થઈ છે. વાપી નગરપાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે રૂા.1384.88 લાખ વસૂલ કરી 80.20 ટકાની વસૂલાત કરી લીધી છે.