સ્વનિર્ભર કૌશલ્ય વિકાસ કેન્દ્રનું દમણમાં નાયબ કલેક્ટરના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03
‘સ્કિલ ઈન્ડિયા કૌશલ ભારત કુશલ ભારત’ અંતર્ગત દમણમાં યુવા પરિવર્તન અને આલ્કેમ લેબોરેટરી દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસ માટે સ્થાપિત સ્વાવલંબન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આજે સવારે 11 કલાકે દમણ જિલ્લાના નાયબ કલેક્ટર શ્રી મોહિત મિશ્રા તથા આલ્કેમ લેબોરેટરીના જનરલ મેનેજર શ્રી દેવાંશુ કુમાર રાયના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના યુવાઓને નર્સિંગ, ફૅશન ડિઝાઇનિંગ, મલ્ટીસ્કીલ જેવા ક્ષેત્રોમાં વધુને વધુ યુવાનોને તાલીમ આપીને આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડવાના હેતુથી નાની દમણ સોમનાથ ખાતે કૌશલ્ય વિકાસ યોજનાનો ‘યુવા પરિવર્તન’ અને પ્રખ્યાત આલ્કેમ લેબોરેટરી ઈન્ડસ્ટ્રીઝના સૌજન્યથી સ્વાવલંબન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા સંઘપ્રદેશ દમણ સહિત દાનહના યુવાઓને તેમના જીવન સુધારણાના માધ્યમો સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવીરહ્યા છે.
સ્વાવલંબન કૌશલ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા દમણ જિલ્લા નાયબ કલેક્ટર શ્રી મોહિત મિશ્રાએ ‘યુવા પરિવર્તન’ અને આલ્કેમ ઈન્ડસ્ટ્રીઝને અભિનંદન આપ્યા હતા અને યુવાઓને આ પ્રકલ્પનો વધુમાં વધુ લાભ લેવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ સુશ્રી ચૈતાલીબેન કામલી અને આંટિયાવાડ ગ્રામ પંચાયતના નવનિર્વાચિત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ તથા આલ્કેમ ઈન્ડસ્ટ્રીઝના મેનેજર શ્રી મનોજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
આજના ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન યુવા પરિવર્તન-ગુજરાત સંચાલક શ્રી રોહિત મિશ્રાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી હાર્દિકકુમાર સોલંકી, નેહા ભંડારી અને યુવા પરિવર્તનના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.