નાની દમણની સ્ટેટ બેંકની સામે આવેલ સી પ્રિન્સેસ સ્પાલોનમાં ચાલી રહી હતી અસામાજિક પ્રવૃત્તિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ પોલીસે સ્પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી છે. દમણ પોલીસે અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર પોતાની પકડ મજબૂત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ પોલીસને મળેલી ગુપ્ત સૂચના મુજબ નાની દમણ એસ.બી.આઈ.ની સામે આવેલ પ્રિન્સેસ વ્યૂ બિલ્ડીંગમાં કાર્યરત સી-પ્રિન્સેસ સ્પાલોનમાં અનૈતિક દેહ વેપાર ચાલી રહ્યો છે. જેના અનુસંધાનમાં દમણ પોલીસે એક ડમી ગ્રાહક મોકલી પાડેલા દરોડામાં એક પુરૂષ અને એક મહિલા મળી હતી. મહિલાએ આપેલી માહિતી પ્રમાણે દુકાનનો સંચાલક સ્પાની આડમાં ગ્રાહક બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે તેણી પાસે અનૈતિક દેહ વેપાર કરાવતો હતો. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્ટેશનમાં ઈમમોરલ ટ્રાફિકિંગ (પી) એક્ટ 1956ની કલમ 3, 4, 5 અને 7 અંતર્ગત ગુનો નોંધી નાની દમણના ત્રણબત્તી ખાતે રહેતા અને મૂળ ડુંગરપુર રાજસ્થાનના રહેવાસી રાજીવ સુધાશંકર પંડયાની ધરપકડકરવામાં આવી છે.
દમણ પોલીસે શરૂ કરેલી સખત કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.