પુલ પાડી રહેલ એજન્સીએ લટકતા વાયરો દૂર નહી કરીને દાખવેલી બેદરકારી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપીમાં હાલમાં રેલવે ફલાય ઓવરપાડવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પૂર્વ સાઈડનો પુલ પાડી દેવાયો છે પરંતુ પશ્ચિમ ચલા તરફ પુલ પાડવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ચલા જતા સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર વાયરો અનેક જગ્યાએ લટકી રહ્યા છે જે અવર જવર કરતા વાહનો માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે.
વાપી ઝંડાચોકથી જલારામ ખમણથી આગળ હાલમાં એજન્સી દ્વારા જુનો પુલ પાડવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી આડેધડ ચલાવાઈ રહી છે. સર્વિસ રોડની સાઈડમાં અનેક ડી.પી. વિજપોલ આવેલા છે તેના જીવંત વાયરો રીતસર રસ્તા રોડ ઉપર લટકી રહ્યા છે. વાહનો વાયરો અટકે નહી તેમ સાવચેતી પસાર થઈ રહ્યા છે. નરી આંખે દેખાતું જોખમ હોવા છતાં પુલ પાડી રહેલી એજન્સીની બેદરકારી સામે આવી રહી છે ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તેની શું રાહ જોવાઈ રહી છે? જાહેર સલામતિ માટે એજન્સીએ લટકતા વાયરો તાકીદે દૂર કરવા જોઈએ તેવી લોકોની માંગણી છે.