તાજેતરની ગોવા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલી સફળ ચર્ચા-વિચારણાં બાદ અલગ થયા ત્યારથી ગોવા બેંક પાસે નિકળતા રૂપિયા પૈકી 50 કરોડની દમણ-દીવ બેંકને પરત મળેલી રકમ અને હાલમાં કેશ રિઝર્વ રેશિયો પેટે ગોવા બેંકે રૂા.27.06 કરોડની કરેલી ચૂકવણી
![](https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/03/WhatsApp-Image-2023-02-10-at-8.41.40-PM-1.jpeg)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની તાજેતરની ગોવા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી સફળ ચર્ચા-વિચારણાંના પગલે ગોવા સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં દમણ-દીવ કો-ઓપરેટિવ બેંકના અલગ થયા તે દરમિયાનના ફસેલા રૂપિયા પૈકી રૂા.50 કરોડ પરત મળ્યા હતા અને આજે ગોવા સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.એ સીઆરઆર(કેશ રિઝર્વ રેશિયો)ના રૂા.27.06 કરોડ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.ને ચૂકવણી કરતા એક મહિનાની અંદર ગોવા સ્ટેટ કો-ઓપરેટિવ બેંક તરફથી દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકને રૂા.77.06 કરોડની માતબર રકમ પરત મળવાપામી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સફળ રજૂઆત અને હકારાત્મક અભિગમના કારણે ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતની દરમિયાનગીરીથી એક મહિનાની અંદર દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકને રૂા.77.06 કરોડ મળતાં બેંકની આર્થિક સ્થિતિ પણ સધ્ધર બનવા પામી છે અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવા પણ સફળતા મળી છે.
અત્રે યાદ રહે કે, જૂન, 2020માં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના હજારો ગ્રાહકો અને ડિપોઝીટ ધારકોના હિતને ધ્યાનમાં રાખી બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્ત કરી બેંકનું સંચાલન પ્રશાસને પોતાના હાથમાં લઈ બેંકના વહીવટદાર તરીકે શ્રી કરણજીત વાડોદરિયાની નિમણૂક કરી હતી.
દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકે લગભગ છેલ્લા 3 વર્ષમાં બાકીદાર ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાની બાકી વસૂલી એન.પી.એ.ને નહીંના બરાબર કરવા સફળતા મળી છે. કરોડો રૂપિયાના નફા સાથે બેંકે પોતાની સતત પ્રગતિ જાળવી રાખી છે. હવે ફક્ત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત પરવાનગીની રાહ જોવામાં આવી રહી છે. જેના કારણે ધ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક સંપૂર્ણ રીતે સ્વતંત્ર બની પોતાનું કાર્ય કરી શકશે.