પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતે ભારત મંડપમાં નીતિ આયોગ અંતર્ગત આકાંક્ષી જિલ્લાઓ માટે સંકલ્પ સપ્તાહનો શુભારંભ કરાવતા ગ્રામ પંચાયતો તથા પોતાના ગામના સ્થાપના દિવસની ઉજવણી કરવા આપી હતી પ્રેરણા
ગોવા, દમણ અને દીવમાં પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી 24મી ઓક્ટોબર, 1962ના રોજ યોજાઈ હતી અને દમણવાડા ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે ગાંડાભાઈ દયાળભાઈ પટેલે 28મી ઓક્ટોબરે સરપંચ તરીકેનો સંભાળ્યો હતો પદભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : દમણવાડા ગ્રામ પંચાયત આગામી તા.28મી ઓક્ટોબરના રોજ પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરશે. 24મી ઓક્ટોબર, 1962ના રોજ ગોવા, દમણ અને દીવની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી. દમણવાડા ગ્રામ પંચાયતમાં પણ 24મી ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી અને પ્રથમ સરપંચ તરીકે સ્વ. ગાંડાભાઈ દયાળભાઈ પટેલે 28મી ઓક્ટોબર, 1962ના રોજ રવિવારના દિવસે સરપંચ તરીકેનો પોતાનો પદભારસંભાળ્યો હતો અને તે દિવસે દિવાળી હોવાનું તે સમયના હયાત ગ્રામજનો જણાવી રહ્યા છે. તેથી દમણવાડા ગ્રામ પંચાયતના સ્થાપના દિવસ તરીકે 28મી ઓક્ટોબરની પસંદગી કરવામાં આવી હોવાનું સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું છે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 28મી ઓક્ટોબરની સાંજે 5:00 વાગ્યે યોજાનારા સ્થાપના દિવસ નિમિત્તે 1962થી લઈ અત્યાર સુધી બનેલા તમામ સરપંચો અથવા તેમના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવશે. 28મી ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા હોવાથી દમણવાડા પંચાયત દ્વારા ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના જણાવ્યા પ્રમાણે ગત તા.30મી સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે ભારત મંડપમાં નીતિ આયોગ અંતર્ગત આકાંક્ષી જિલ્લાઓ માટે સંકલ્પ સપ્તાહનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ગ્રામ પંચાયતો તથા ગામના સ્થાપના દિવસની ઉજવણી કરવા આપેલા પ્રોત્સાહન અંતર્ગત આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.