મુખ્યમંત્રી કાર્યાલય અને શહેરી વિભાગ સચિવને આધારભૂત દસ્તાવેજોસાથે અરજી કરવાથી ઘણા બિલ્ડરો અને પરમિશન આપનાર અધિકારીઓના પગ નીચે રેલો આવવાની શકયતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31: ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં બિલ્ડરોના માથે રાહત આપનારા મુકેલા હાથથી ઘણી જોખમી અને નિયમ વિરોધી પ્રવૃત્તિઓ આકાર લેવા પામેલી છે. ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં નિયમોને નેવે મૂકી મંજૂર કરેલી ફાઈલો અને સ્થળ ઉપર થયેલી કામગીરી વચ્ચે સામ્યતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉમરગામના એક જાગૃત નાગરિકે આ તમામ ઘટનાઓ સામે તળિયા ઝાટક તપાસ કરાવવા ઉચ્ચ સ્તરીય મુખ્યમંત્રી કાર્યાલય અને શહેરી વિભાગ સચિવને લેખિતરજૂઆત કરવા તજવીજ હાથ ધરી છે. આ તમામ ઘટનાઓમાં જમીનના માલિકો તેમજ બાંધકામ કરનારાઓ અને સ્થળ ઉપર નિયમોનું ઉલ્લંઘન થયું હોવા છતાં ઈરાદાપૂર્વક છુપાવી બિલ્ડીંગ યુઝ પરમિશન આપવા માટે અભિપ્રાય અને જેના આધારે પરવાનગી આપનાર અધિકારીઓના પગ નીચે રેલો લાવવા ફોજદારી રાહે પણ કાર્યવાહી થાય તે પ્રમાણે રજૂઆત કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે.
ગુજરાત સરકાર પારદર્શિતા વહીવટ સાથે પડતર પ્રશ્નોના નિકાલ માટે સતત પ્રયત્નશીલ છે અને જેના ભાગરૂપે અરજદારો સરળતાથી સીધો સંપર્ક કરી શકે એવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલી છે ત્યારે ઉમરગામ પાલિકામાં છેલ્લા એક વર્ષમાં ચાલેલો અંધેર વહીવટથી મળેલો બિલ્ડરોને લાભ અને નિયમોનું ઉલ્લંઘન કરતા ઉભું થયેલું જોખમ સામે રક્ષણ આપવા તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ એવી પાલિકા વાસીઓમાં માંગ ઉભી થવી પામી છે.