વાપી, પારડી, વલસાડ પોલીસનું સઘન ચેકીંગ જિલ્લા પ્રમુખને કરમબેલા નિવાસ સ્થાને નજર કેદ કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: સુરતમાં માનહાનીના કેસમાં અરજી ફાઈલ કરવા માટે રાહુલ ગાંધી સુરત સેસન્સ કોર્ટમાં આજે સોમવારે ઉપસ્થિત રહેવાના હોવાથી વલસાડ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો રાહુલ ગાંધીના મોરલ સપોર્ટ માટે ઉમરગામ, વાપી, પારડીના કોંગ્રેસ કાર્યકરો સવારે સુરત જવા નિકળ્યા હતા ત્યારે જિલ્લા પોલીસે જુદી જુદી જગ્યાએ કાર્યકરોને અટકાવી દીધા હતા અને જરૂર પડી તો કેટલાકની અટકાયત પણ કરી હતી તેથી કોંગ્રેસ કાર્યકરોમાં વ્યાપક રોષ વ્યાપી જવા પામ્યો હતો.
સુરત કોર્ટમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના હોવાથીઉમરગામ, વાપી, પારડી, વલસાડના કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો સોમવારે સવારે સુરત જવા નિકળ્યા હતા તો બીજી તરફ જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ હાઈવે ઉપર જુદા જુદા સ્થળે ચાલુ કરી દીધું હતું. બગવાડા ટોલનાકા અને કરમબેલા હાઈવે ઉપર કોંગ્રેસ કાર્યકરોને સુરત પહોંચે તે પહેલા હાઈવે ઉપર અટકાવી દેવામાં આવ્યા હતા. કાર્યવાહીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉમરગામ પ્રમુખ ફુલજીભાઈ પટેલ, યુવા પ્રમુખ ભાવેશ પટેલ, નરેશ વડવી સહિત કાર્યકરોને કરમબેલા તેમના નિવાસ સ્થાને નજર કેદ કરી દેવાયા હતા. પોલીસ કાર્યવાહીથી કોંગ્રેસ આલમમાં નારાજગી સાથે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.