(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07: દમણના દાભેલ નજીક આંટિયાવાડ તળાવ નજીક આજે ન્યૂટ્રલમાં રીક્ષા ઉભી કરી પેશાબ કરવા ગયેલારીક્ષાચાલકની નજર સામે જ રીક્ષા તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. દમણ ફાયર બ્રિગેડની સખત મહેનતના કારણે તળાવમાં ડૂબેલી રીક્ષાને બહાર કાઢવા સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સાંજે 5:20 વાગ્યે દમણ ફાયર બ્રિગેડ વિભાગને 112 ઉપર કોલ આવી સૂચના મળી હતી કે, આંટિયાવાડ તળાવમાં એક જીજે પાસિંગ રીક્ષા ડૂબી ગઈ છે. રીક્ષાચાલક નિખિલેશ યાદવના જણાવ્યા મુજબ તળાવની પાળ નજીક ન્યૂટ્રલમાં રીક્ષા ઉભી રાખી તે પેશાબ કરવા ગયો હતો તે દરમિયાન ઢોળાવના કારણે રીક્ષા સીધી તળાવમાં ડૂબી ગઈ હતી. દમણ ફાયરના કર્મીઓએ રીક્ષાને શોધવા ખુબ મહેનત કરી હતી. પરંતુ સફળતા મળી નહીં હતી. ત્યારબાદ સેલવાસ ફાયર વિભાગથી ફાયરમેન ચંદન અને અજય પટેલને સ્કૂબા ડાઈવિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. ચંદને પાણીમાં ઉતરી અને અજય પટેલ યોગેન્દ્ર તથા મિતેશે હોડીમાં બેસી રીક્ષાની શોધ કરી હતી. ચંદનને તળાવમાં 24 ફૂટ નીચે રીક્ષા મળતાં બાદમાં રીક્ષાને દોરડાની મદદથી ખેંચવાની કોશિષ કરી હતી, પરંતુ દોરડાની સફળતા નહીં મળતાં છેવટે હાઈડ્રો મશીનથી રીક્ષાને બહાર કાઢવામાં આવી હતી. લાંબા સમયની મહેનત બાદ રીક્ષાને તળાવમાંથી બહાર કાઢી શકાય હતી. આ કાર્યવાહીમાં દમણ ફાયર વિભાગથી શ્રી તુલસીદાસ પણ ઉપસ્થિત રહ્યાહતા.
અત્રે નોંધનીય છે કે, રીક્ષામાં કોઈ પેસેન્જર બેઠેલું નહીં હતું.