-
હું પણ નાનપણથી સ્કાઉટ છું – હરેશ્વર સ્વામી
-
પોલીસ પ્રશાસનની કામગીરીમાં દાનહ સ્કાઉટીંગ સત્તાવાર રીતે સહકાર આપશે – સિદ્ધાર્થ જૈન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
આજે દાદરા નગર હવેલીના પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામીએ પોલીસ હેડક્વાર્ટરમાં દાનહ ભારત સ્કાઉટ ગાઈડનું વિશેષ સન્માન કર્યું હતું. જેમાં ઉપ અધિક્ષક શ્રી સિદ્ધાર્થ જૈન, પીએસઆઈ શ્રીમતી છાયા ટંડેલ, અંગત સહયોગી શ્રી રાજન રાઠોડ અને દાનહ પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સૌપ્રથમ પોલીસ અધિક્ષક શ્રીહરેશ્વર સ્વામીએ દાનહ ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા દાનહ પ્રશાસન અને પોલીસ વિભાગને કરવામાં આવતા સહકારની ખૂબ પ્રશંસા કરી હતી. જેમાં કોરોના કાળમાં સહકાર, મતદાન મથકો પર પ્રશંસનીય કામગીરી અને પેટ્રોલીંગ તેમજ છઠ્ઠ પૂજા સેવાએ તમામ પોલીસ પ્રશાસનને ગૌરવ અપાવ્યું હતું. હકીકત એ છે કે સાંજે 4 થી 8 અને બીજા દિવસે પણ સવારે 4 કલાકે તેઓ પ્રશાસન દ્વારા પસંદ કરાયેલ તમામ 5 સ્થળોએ સેવા માટે સમયસર હાજર રહ્યા હતા અને આરોગ્ય વિભાગને સંપૂર્ણ સહકાર કરતા આવ્યા છે. જે બદલ પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામીએ રેન્જર લીડર સોનિયા સિંઘ તેમજ પાંચ પસંદગીના અને સક્રિય સભ્યો અજય હરિજન, ઋષિ તન્ના, નિધિ પ્રસાદ, ભાવના તિવારી અને અર્પિતા મિશ્રાને સવારે 11 વાગ્યે પોલીસ હેડક્વાર્ટર સેલવાસ ખાતે પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા અને દરેકને ભવિષ્યમાં સક્રિયપણે સહયોગ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં શ્રી હરેશ્વર સ્વામીએ ભારત સ્કાઉટ ગાઈડને દાદરા નગર હવેલીમાં ગણવેશધારી સૌથી વધુ સદગુણોવાળી સંસ્થા હોવાનું જણાવ્યું હતું. સ્કાઉટ પ્રતીક સાથે ડાબો હાથ હલાવીને સૌને સલામ કરી અભિવાદન કરતા શ્રી હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે, બાળપણમાં હું પણ સ્કાઉટ ગાઈડ રહ્યો છું.
આ અવસરે નાયબ અધિક્ષક શ્રીસિધ્ધાર્થ જૈને ભારત સ્કાઉટ ગાઈડના સભ્યોને બિરદાવતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ દાનહ પોલીસ પ્રશાસન સત્તાવાર રીતે દાનહ ભારત સ્કાઉટ અને ગાઈડની સમયાંતરે સક્રિય ભાગીદારી લેશે અને તમામનો ઉત્સાહ વધારશે. જેથી તમામ બાળકોનું મનોબળ સેવાની ભાવનાથી સભાન રહે અને તેમના ધ્યેયને સિદ્ધ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય. જે બદલ ભારત સ્કાઉટ ગાઈડના અધિકારીઓ અને સમિતિના સભ્યાનો તમામનો આભાર માન્યો હતો.