શણગારેલા ટેમ્પો, વાહનો સાથે હજારોની જનમેદની સાથે શહેરના વિવિધ રસ્તાઓ ઉપર રેલી યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા દેશને સામાજીક સુરક્ષાના પ્રણેતા ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની આજે 14 એપ્રિલના રોજ વાપીમાં 132મી જન્મ જયંતિની દબદબા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વાપીના સામાજીક કાર્યકર ભીમરાવ કટકે અને કાર્યકરો દ્વારા આજે ડો.બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચણોદ આંબેડકર ચોકથી ભવ્ય રેલીનો પ્રારંભ થયો હતો. રેલીમાં શણગારેલા વાહનોમાં ડો.બાબા સાહેબના ભવ્ય ફોટા સાથે મહાત્મા ફુલેના ફોટાઓ ફુલહારથી ભવ્યત્તમ શણગારાયા હતા. રેલીનું ઢોલ, નગારા, ત્રાંસા સાથે બવ્ય પ્રસ્થાન થયું હતું. વાપી ચાર રસ્તા ઈમરાનનગર રોડથી કોપરલી રોડ ગુંજન થઈ રેલીનું વી.આઈ.એ. પરિસરમાં સમાપન થયું હતું. વાપીમાંપ્રતિ વર્ષે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજની ઉજવણીમાં સમાજના તમામ વર્ગના હજારો મહિલા, યુવાનો, બાળકો જોડાયા હતા. બાબા સાહેબની યાદગીરી ગગનચુંબી બનાવી ખુશહાલી ભર્યા માહોલમાં ઉજવણી સંપન્ન થઈ હતી.