(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: સુરત વિભાગની ટીમે ચીખલીના મલિયાધરા ગામેથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી રૂા.5.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત વિભાગની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મારુતિ સુઝુકી બલેનો કાર નં.જીજે-15-સીએફ-6678 જે દારૂ ભરી નવસારી તરફ જનાર છે જે હકીકત બાતમીના આધારે સુરત વિભાગની ટીમે મલિયાધરા ગામે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની સિલ્વર બલેનો કાર આવતા પોલીસની નાકાબંધી જોઈ કાર ચાલકે પોતાની કાર ગામડાના રસ્તે હંકારી લેતા સુરત વિભાગની ટીમે પીછો કરતા કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે આજુ બાજુના વિસ્તારમાં તપાસ કરતા મલિયાધરા કુંભારવાડ ફળીયા પાસે તળાવથી સામદા ફળીયા તરફ જતા રોડ ઉપર કાર બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે કારની અંદર તપાસ કરતા જેમાંથી વિદેશી દારૂ તથા ટીન બિયરની નાની-મોટી બોટલ નંગ-1440 કિ.રૂ.1,44,960/- તેમજ મારુતિ સુઝુકી બલેનો કારનં.જીજે-15-સીએફ-6678 કિ.રૂા.4 લાખ મળી કુલ્લે રૂા.5,44,960/- નો મુદ્દામાલ કબ્જે કરી બલેનો કારના અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અર્શદભાઈ યુસુફભાઈ સુરત વિભાગ દ્વારા ફરિયાદ આપતા વધુ તપાસ નવસારી રૂરલ પીએસઆઈ-પી.એચ. કછવાહા કરી રહ્યા છે.