અનઅધિકૃત દબાણો દૂર કરી 9 મીટરના માર્ગને 18 મીટર પહોળો કરાશે : દબાણકારોએ વિરોધ કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટેની જે તે તંત્રો દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે. પાલિકા દ્વારા આજે મંગળવારે ભડકમોરા-સુલપડ વિસ્તાર રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે માટે માપણી અને જરૂરી નિશાન કરવામાં આવ્યા હતા. પાલિકા આ વિસ્તારનો રોડ જે 9 મીટરનો છે તેને અનઅધિકૃત દબાણો હટાવીને 18 મીટર પહોળો કરવાની કવાયત હાથ ધરી હતી.
વાપી જી.આઈ.ડી.સી.માં આવતા ભારે વાહનો તથા સેલવાસ દમણને જોડતો મુખ્ય રાજપથ છે તેથી વાહનોની અવર જવર પ્રમાણમાં રોજીંદી વધારે રહે છે. તેથી ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે ભડકમોરા-સુલપડ વિસ્તાર પહોળોકરવા જરૂરી બન્યો છે તેથી પાલિકાએ આજે રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરી હતી. તે માટે જરૂરી માપણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અનઅધિકૃત બાંધકામો પણ દૂર કરવામાં આવશે. પાલિકા દબાણો હટાવી સુંદર રમણીય સ્વચ્છ બનાવવાની પહેલ કરનાર છે તેથી વાપી નગરપાલિકા ટીમે મંગળવારે માર્ગ પહોળો કરવા જરૂરી માપણી અને માર્કિંગની કામગીરી કરી હતી. આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓનો વિરોધ કરાયો હતો. જમીન માલિકો ઘર વિહોણા બની જશે તેવો સુર ઉઠયો હતો. આ માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેમજ કાયદેસર જમીન માલિકોને નોટીસ આપવામાં આવશે. આ માર્ગ એક કિલોમીટર જે ભડકમોરા ચોકડીથી ફસ્ટ ફેઝ સેન્ટ્રલ ઓફ એક્સિલન્સ સુધીનો આંતરિક રોડ છે. જો રોડ પહોળો થઈ જશે તો વી.આઈ.એ. ચાર રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ ઘટશે. નુકશાન થવાની દલીલો-ભીતિ પાયા વિહોણી છે. સારા કામમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેવુ પાલિકાએ જણાવ્યું હતું.