સાંસદ લાલુભાઈ પટેલે સ્વયં વિડીયો દ્વારા આ પ્રકારના તત્ત્વોને પોલીસમાં સુપ્રત કરવા ઉદ્યોગપતિઓને કરેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નામ ઉપર કેટલાક અજ્ઞાત શખ્સો દ્વારા ઉદ્યોગપતિઓને ફોન કરી પૈસાની માંગણી કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા સ્વયં સાંસદ શ્રી લાલુભાઈ પટેલને સ્પષ્ટતા કરી ચેતવણી આપવાની ફરજ પડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે જારી કરેલ એક વિડીયોમાં ઉદ્યોગપતિઓને અપીલ કરતા જણાવ્યું છે કે, કેટલાક અસામાજિક તત્ત્વો તેમના નામનો ઉપયોગ કરી ઉદ્યોગપતિઓ પાસેથી વસૂલી કરી રહ્યા છે. આવા લોકો તેમની છબી ખરાબ કરવાના ઈરાદાથી આવી હરકત કરી રહ્યા હોવાનું પણ સાંસદશ્રીએ જણાવ્યું છે.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રદેશના ઉદ્યોગપતિઓએ અપીલ કરતા જણાવ્યું છે કે, તેઓ કોઈને પણ તેમના નામ ઉપર પૈસા નહીં આપે અને આવી વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે. શ્રી લાલુભાઈ પટેલે પોતાના જારી કરેલા વિડીયોમાં જણાવ્યું છે કે, તેમને કેટલીક કંપનીઓનાપ્રતિનિધિઓએ ફોન કરીને જણાવ્યું હતું કે, સાંસદશ્રીના નામ ઉપર કેટલાક લોકો મંદિર નિર્માણ માટે, મહાપ્રસાદ કે અન્ય ધાર્મિક કામો માટે દાનના સ્વરૂપે પૈસાની માંગણી કરી રહ્યા છે. કેટલીક કંપનીઓમાં ફોન કરી ઉદ્યોગપતિઓને જણાવવામાં આવે છે કે, હું લાલુભાઈ પટેલ બોલું છું અને તમારે આ મંદિરના નિર્માણ માટે દાન આપવાનું છે. આ પ્રકારની માંગણી સાંસદશ્રી દ્વારા ક્યારેય પણ કરાઈ નથી અને ભવિષ્યમાં પણ કરાશે નહીં. પરંતુ કેટલાક તત્ત્વો તેમની પ્રતિષ્ઠા ખરાબ કરવા માટે આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે. તેથી તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી છે કે આવા કોઈપણ વ્યક્તિને કંપની પરિસરમાં બોલાવી પોલીસને સુપ્રત કરવામાં આવે.
અત્રે યાદ રહે કે, 2019માં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારે પણ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આગળ આવી આવા લોકોને પોલીસને સોંપવા અપીલ કરી હતી અને સાંસદના નામ ઉપર વસૂલી કરવાની ઘટનામાં પાંચથી છ લોકોની ધરપકડ પણ કરાઈ હતી.