દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્યારે પ્રદેશમાં દ્વિતીય સ્થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્થાને દાદરાની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી.
દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્યા બનાવી છે.
દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
મહાત્મા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્યારે ઈન્સ્ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્યા છે.
દિવ્ય જ્યોતિ સ્કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા છે. માછી મહાજન સ્કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે.
સમસ્ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.