(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ ખેરગામનાં રસ્તાનું બંધ થયેલું કામ શરૂ કરાવવા નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચોએ અલ્ટીમેટમ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે. વલસાડ માર્ગ અને મકાન વિભાગે વનવિભાગને પત્ર લખી ચોમાસા પહેલાં પૂલોના કામ પતાવવા હંગામી પરવાનગી આપવા માંગ કરી છે.
લાંબા સમયથી વલસાડ ખેરગામ રસ્તાનું નવિનીકરણનું કામ બંધ થઈ જતાં ધીરજ ગુમાવી ચૂકેલા વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચોએ ગતરોજ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વલસાડ ખેરગામ રસ્તાનું કામ શરૂ ન થાય તો નેશનલહાઇવે નંબર 48 ચકાજામ કરવાની ચીમકી આપી હતી. આ ચીમકી બાદ વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન. એન. પટેલે તાત્કાલિક સામાજિક વનીકરણ વિભાગનાં ડીસીએફને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પરવાનગી મળવામાં વિલંબ થાય તેમ હોઈ તો કામચલાઉ પરવાનગી આપવા વિનંતી કરી છે. ચોમાસાના દિવસો ખુબજ નજીક આવી ગયાં હોય રોડ વાયડનીંગ માટે રોડની સાઈડ ઉપર જે બોક્ષ કટીંગ (ખોદાણ) કરવામાં આવ્યું છે. આ ખાડાઓમાં ચોમાસામાં પાણી ભરાય જશે. જેમાં લોકો પડવાની તેમજ વાહન ચાલકો પડવાની પૂરેપુરી સંભાવના રહેલી છે. ઉપરાંત કામચલાઉ ડાયવર્ઝન બાજુના ખેતરમાંથી આપવામાં આવેલ છે. એમાં પણ ચોમાસા દરમ્યાન પાણી ભરાય જવાથી વાહન વ્યવહાર બીલકુલ બંધ થઈ જાય તેમ છે અને તેમ થશે તો ચોમાસાની સિઝનમાં ડિઝાસ્ટરની પરિસ્થિતી નિર્માણ થવાની પુરેપુરી શકયતા વ્યક્ત કરી છે. આવી પરિસ્થિતી ઊભી ન થાય તે માટે તેમજ પ્રજાના બહોળા હિતમાં વનવિભાગ પાસેથી કામચલાઉ ધોરણે પણ મંજુરી આપવા વિનંતી કરી છે.
માર્ગ અને મકાન વિભાગે વન વિભાગને પત્ર લખી કામ કરવાની મંજૂરી માંગતા વન વિભાગ કેવો અભિગમ અપનાવે છે તેના પર સૌની નજર છે. ચોમાસુ નજીક હોય વન વિભાગનો નકારાત્મક રવૈયો આગામી દિવસોમાંલોકરોષનું કારણ બની શકે તેમ છે.
Previous post