ટ્રાફિક વિભાગ ફક્ત હેલ્મેટ અને સીટબેલ્ટના દંડ વસૂલવામાં મશગુલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના પ્રવેશ દ્વારા દાદરા ચેકપોસ્ટથી પોલીસ ચોકી સુધી મુખ્ય રસ્તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગના કારણે અવર-જવર કરતા અન્ય વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહી રહ્યો છે. અહીં રસ્તા ઉપર બસ અને ટ્રક, કન્ટેઈનર જેવા મોટા વાહનોના ચાલકો જાહેર રસ્તાઓ ઉપર જ તેમના વાહનો પાર્ક કરીને ચાલ્યા જાય છે. જેના કારણે ઘણી વખત ટ્રાફિકજામની પણ સમસ્યા ઉદ્ભવતી હોય છે. સાથે કેટલાક વાહનચાલકો રોંગ સાઈડ પર વાહન હંકારતા હોવાનું પણ જોવા મળે છે. જેના કારણે અકસ્માતો પણ થતાં રહે છે.
જ્યારે ટ્રાફિક વિભાગ ફક્ત ને ફક્ત હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ નહીં કરનારા વાહનચાલકોને દંડ કરી રસીદ ફાડવામાં જ મશગુલ હોવાનું જોવા મળે છે.ટ્રાફિક વિભાગ દ્વારા આવા જે આડેધડ પાર્કિંગ કરી જાય છે તેઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.