દાનહમાં યોજના લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું કરાયેલું ધિરાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડરો માટે ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા 1 જૂન, 2020ના રોજ ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ મુજબ નાના દુકાનદારો, ફેરિયાઓને રૂા.10 હજાર, 20 હજાર અને રૂા.50 હજારની લોન આપવામાં આવે છે. જેનાથી તેઓનો પડી ભાંગેલો કારોબાર ફરીથી શરૂ કરવા મદદ મળે છે.
સંઘપ્રદેશ દાનહમાં આ યોજના લાગુ થયા પછી અત્યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સેલવાસ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર અને નાના દુકાનદારોને જલ્દીથી જલ્દી લાભ પહોંચાડવા માટે બેંક સાથે મળી પાલિકા પરિસરમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પથ વિક્રેતાઓને ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’શિબિરમાં મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જેમાં પાલિકા દ્વારા કુલ 102 પથ વિક્રેતાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.