આંતર શાળા ‘તારપા નૃત્ય સ્પર્ધા’માં ભાગ લઈને એક સ્વસ્થ અને ‘ફિટ ઈન્ડિયા’ નિર્માણમાં યોગદાન આપવા સંઘપ્રદેશ પ્રશાસનની વિદ્યાર્થીઓને અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનના સાર્થક કરવા માટે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય દ્વારા ફિટ ઇન્ડિયા બનવાનોસંકલ્પ લીધો હતો. જેના સંદર્ભમાં આદિવાસી સમાજના પારંપારિક નૃત્યને ધ્યાનમાં રાખી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા સેલવાસમાં આંતર શાળા તારપા નૃત્ય સ્પર્ધાનું આયોજન આગામી 9મી જાન્યુઆરી, 2025ના ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાની શાળાઓને તારપા નૃત્યના રોમાંચક ઉત્સવ માટે એક સાથે લાવશે. આ સ્પર્ધામાં માત્ર પારંપારિક નૃત્યનું પ્રદર્શન જ નહીં, પરંતુ તેના દ્વારા કાર્ડિયો એક્ટિવિટીના આરોગ્ય લાભો ઉપર પણ ધ્યાન આપવામાં આવશે.
આ આંતર શાળા તારપા નૃત્ય સ્પર્ધાનું આયોજન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં તથા રમત-ગમત અને યુવા બાબતો તથા શિક્ષણ સચિવ ડો. અરૂણ ટી.ના દિશા-નિર્દેશ મુજબ અને રમત-ગમત નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે 9 જાન્યુઆરી, 2025ના ગુરૂવારે સવારે 9:00 વાગ્યે કલા કેન્દ્ર ઓડિટોરિયમમાં ‘ફિટ ઇન્ડિયા’ આંતર શાળા તારપા નૃત્ય સ્પર્ધા યોજવામાં આવશે. સંઘપ્રદેશ પ્રશાસનને ભારતીય રમત-ગમત સત્તા તરફથી આયોજન માટે સહયોગ આપવામાં આવે છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે, તેઓ આ ‘ફિટ ઇન્ડિયા’ આંતર શાળાતારપા નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈને એક સ્વસ્થ અને ફિટ ઇન્ડિયાના નિર્માણમાં યોગદાન આપે. આ સ્પર્ધાના વિજેતા ટીમોને યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા ઈનામ આપીને સન્માનિત કરવામાં આવશે.