હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે વટાર-મોરાઈ અને સલવાવ-અંબાચ બ્રિજનું કામ ચાલી રહ્યું છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૧: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા ગામે રૂ. ૬૧ કરોડ ૭૧ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૯૨૫ મીટર લંબાઈ અને ૭.૫૦ મીટર પહોળાઈ ધરાવતા બગવાડા રેલવે ઓવરબ્રિજ (એલ.સી.૮૪)નું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનો લોકાર્પણ સમારોહ બગવાડા રેલવે ઓવરબ્રિજ પાસે પશ્ચિમ તરફ યોજાયો હતો. આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાતા અંદાજે દોઢ લાખની પ્રજાને ફાયદો થશે.
આ બ્રિજના લોકાર્પણ સમારોહ પ્રસંગે રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન વ્યવહાર એકદમ સરળ રીતે કરી શકીશું. જે બદલે વડાપ્રધાનશ્રી મોદીજીનો આભાર માનીએ છે. સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી સુંદર કામ કરી રહી છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને રાજ્યમાં ભુપેન્દ્રભાઈની રાહબરી હેઠળ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે બગવાડા પાસે વટાર- મોરાઈને જોડતો નવો બ્રિજ રૂ. ૧૨ કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે, જે બ્રિજનું કામ શરૂ થઈ ગયુ છે આવતી દિવાળી પર લોકાર્પણ થાય તે મુજબની ગણતરી છે, સાથે જ સલવાવને અંબાચ સાથે જોડતા બ્રિજનું કામ પણ શરૂ થઈ ગયુ છે. સરકાર પ્રજાલક્ષી વિકાસના કામો કરી રહી છે ત્યારે આપણે પણ સહકાર આપીએ અને સારામાં સારી ગુણવત્તાના કામો થાય તેનું ધ્યાન રાખીએ એવુ સૂચન મંત્રીશ્રીએ કર્યુ હતું.
આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં ૧૦ વર્ષમાં ૨૨ ઓવરબ્રિજ બનાવ્યા છે. વડાપ્રધાનશ્રી મોદીજીનું સ્વપ્ન હતું કે, ફાટક ફ્રી સમગ્ર ભારત અને ગુજરાત બનાવવાનું. જેમાં વલસાડ જિલ્લો અગ્રેસર છે. માજી સાંસદ ડો. કે.સી.પટેલ અને નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વિકાસની ગાથા આગળ વધારી છે, આ ગાથાને વધુ ઉંચાઈએ પહોંચાડીશું એવી ખાતરી આપુ છું. વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લો સમુદ્ર કાંઠે વસેલો હોવાથી કાંઠા વિસ્તારમાં થતા ધોવાણને અટકાવવા માટે ટેકનિકલ સર્વે કરી મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે.
માજી સાંસદ ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, ભારતમાં અંગ્રેજોએ રેલવે લાઈન નાંખ્યા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ માટે મહત્વનો ગણાતો ફ્રેઈટ કોરીડોરનો પ્રોજક્ટ ચાલી રહ્યો છે. આઝાદી પછીનો આ મોટો પ્રોજેક્ટ ગણાય છે. વધુમાં તેમણે જિલ્લામાં ૨૨ રેલવે ઓવરબ્રિજની વાત કરી હતી. આ સિવાય વાપી બલીઠાના બ્રિજનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થતા લોકાર્પણ કરાશે એમ જણાવ્યું હતું.
બગવાડા ગામના સરપંચ જવાહરભાઈ પાઠકે પ્રાસંગિક ઉદબોધન કરી પંચાયતની ટીમ તેમજ ગામના અગ્રણીઓ સાથે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને સાંસદશ્રી ધવલભાઈ પટેલનું શાલ અને ફૂલ હારથી ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી શિલ્પેશ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, પ્રાંત અધિકારીશ્રી નિરવ પટેલ, પારડી તાલુકા સંગઠનના પ્રમુખ મહેશ દેસાઈ, વાપી વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, વાપી નોટીફાઈડ સંગઠન પ્રમુખ હેમંત પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન અને બ્રિજની રૂપરેખા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતિન પટેલે આપી હતી. જ્યારે આભારવિધિ માર્ગ અને મકાનના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જિગર પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ વનરાજસિંહ પરમારે કર્યુ હતું.