Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

બામણવાડામાં ૨૮, તેરીચીખલીમાં ૩૪ અને કરંજલીમાં ૮૬ બાળકોને કુમકુમ તિલક સાથે શાળા પ્રવેશ કરાવ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦ ટકા નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિધ્ધ કરવા માટે સ્વર્ણિમ ગુજરાતમાં વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થાય છે. જેના ભાગરૂપે તા. ૧૩ જૂનના રોજ મંગળવારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બામણવાડા ગામની પ્રાથમિક શાળામાં વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આદિવાસી સંસ્કૃતિની ઝલક સાથે વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
આ પ્રંસગે વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે, ભૂતકાળમાં શિક્ષક બાળકને પકડીને ધો. ૧ માં પ્રવેશ માટે લઈ જતા હતા પણ આપણા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવતા આંગણવાડી, બાલવાટિકા અને ધો. ૧ માં બાળકોને પ્રવેશ આપવા માટે માત્ર શિક્ષકો જ નહી પરંતુ વાલીઓ, ગામના અગ્રણીઓ, સરપંચ અને સનદી અધિકારીઓ અને પદાધિકારીઓ આવી રહ્યા છે અને વાજતે ગાજતે ભેટ સોગાદો અને કુમકુમ તિલક સાથે પ્રવેશ કરાવાઈ રહ્યો છે. પહેલા ૭૫ ટકા બાળકોનો શાળામાં પ્રવેશ થતો હતો પરંતુ વડાપ્રધાનશ્રીની દૂરંદેશીના કારણે શાળા પ્રવેશોત્સવ શરૂ થતા ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યુ છે. ડ્રોપ આઉટ રેશિયો પણ ૧૮ ટકાથી ઘટીને ૨ ટકા જ રહ્યો છે. આ પરિણામ સરકારના સફળ પ્રયાસ અને આપણા સૌની જાગૃતિના કારણે મળ્યું છે.

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ અંગે નાયબ દંડકશ્રી વિજયભાઈએ કહ્યું કે, શિક્ષણનું સ્તર દિવસે દિવસે વધતુ જાય તે માટે સરકારે અનેક યોજના અમલમાં મુકી છે સાથે વિવિધ કાર્યક્રમો પણ કરી રહી છે. જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ હતી તે ઘટ પુરવા ભરતી કરી, ત્યાર બાદ નવા વર્ગખંડો બનાવ્યા છે. ધો. ૬ થી રેસીડેન્શિયલ સ્કૂલ સરકારે શરૂ કરી છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં જિલ્લાની ૩૯૨ શાળાને આવરી લેવાઈ છે. જે બાળકના માતા-પિતા ન હોય અથવા સિંગલ પેરેન્ટસ હોય તેવા બાળકોને સરકારે ચિંતા કરી તેઓના શિક્ષણ માટે વલસાડ જિલ્લામાં ૪ કસ્તુરબા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યા છે. જેનો તમામ ખર્ચ સરકાર ઉપાડે છે. બાળકોના શિક્ષણ માટે સરકાર તમામ પ્રયત્ન કરી રહી છે.વાલીઓને બાળક પ્રત્યે પોતાની જવાબદારી સમજાવતા શ્રી વિજયભાઈએ વધુમાં કહ્યું કે, સરકાર પોતાનું કામ કરી રહી છે ત્યારે વાલી તરીકે તમારે બાળકને પ્રોત્સાહિત કરવાનું છે. શિક્ષકોને સહકાર આપવાનું છે. બાળકોના ભવિષ્યને લઈને શરૂઆતથી જ ચિંતા કરવી જરૂરી છે કારણ કે આ જ આપણુ ભવિષ્ય છે. જે માટે વાલીઓએ પોતાના બાળક પ્રત્યે રોજના માત્ર ૧૦ મીનિટનો સમય કાઢવાની જરૂર છે. બાળકને પ્રોત્સાહિત કરવાથી તેનો આત્મવિશ્વાસ વધશે અને તે ધારે તેવુ પરિણામ લાવી શકશે.
શિક્ષકોને પણ શીખ આપતા નાયબ દંડકશ્રીએ જણાવ્યું કે, જગતમાં ગુરૂનું પદ સર્વોચ્ચ છે. તમને જેટલુ માન સન્માન મળે છે એટલુ કોઈને મળતુ નથી. જેથી બાળકોને મા સરસ્વતીનો ભંડાર પીરસજો કારણ કે, બાળકો શિક્ષકોને ભગવાન સમાન જ ગણે છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને બાળકો ક્યારેય ભૂલતા નથી. તેઓ પોત પોતાના ક્ષેત્રમાં આગળ વધશે ત્યારે તમને જ યાદ કરશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું વિઝન છે કે, છેવાડાના ગામડામાં જરૂરી તમામ સુવિધાઓ પહોંચાડી તેઓને પહેલા નંબર પર લાવવાના છે. જેથી સરકાર પ્રયત્નશીલ છે પરંતુ શાળામાં બાળક ગેરહાજર રહે તો તેની જવાબદારી એસએમસી કમિટીની પણ છે. આપણો સમાજ શિક્ષિત અને વ્યસનમુક્ત બને તે માટે સૌને સંકલ્પ લેવા માટે આહવાન કર્યુ હતું. કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ આદિવાસીઓ સાથે ડાંગી ભાષામાં વાતચીત કરતા બાળકો અને ગ્રામજનોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.
બામણવાડા શાળામાં હાલમાં ૯૯ કુમાર અને ૮૯ કન્યા મળી કુલ ૧૮૮ બાળકો અભ્યાસ કરે છે. જ્યારે આંગણવાડીમાં ૪ કુમાર અને ૪ કન્યા મળી કુલ ૮ બાળકો, બાલ વાટીકામાં ૧૧ કુમાર અને ૪ કન્યા મળી કુલ ૧૫, ધો. ૧માં ૩ કુમાર અને ૨ કન્યા મળી કુલ ૫ પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી ગુણવત્તાસભર શિક્ષણ આપવા શાળા પરિવારે કટિબધ્ધતા બતાવી હતી. આ સિવાય ધો. ૩ થી ૮ માં પ્રથમ નંબર મેળવનાર ૬ વિદ્યાર્થીઓનું શ્રી વિજયભાઈના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં તેમના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. નાયબ દંડકે તેરીચીખલી ગામની પાતળી ફળિયા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં ૨ કન્યા, બાલવાટીકામાં ૭ કુમાર અને ૫ કન્યા મળી ૧૨ બાળકો અને ધો.૧ માં ૯ કુમાર અને ૧૧ કન્યા મળી ૨૦ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે કરંજલી પ્રા.શાળાના પ્રવેશોત્સવમાં આંગણવાડીના ૨ કુમાર અને ૨ કન્યા મળી ૪ બાળકો, બાલવાટીકામાં ૨૪ કુમાર અને ૨૭ કન્યા મળી ૫૧ બાળકો અને ધો. ૧ માં ૧૯ કુમાર અને ૧૨ કન્યા મળી કુલ ૩૧ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે પેણધા હાઈસ્કૂલના આચાર્ય વિપુલ ચૌધરી, ગામના સરપંચ સરૂબેન રસૂલભાઈ વાઘ, એસએમસીના અધ્યક્ષ ભરત દેવલેભાઈ અરજ, સીઆરસી કો-ઓર્ડિનેટર પ્રિયંકા કે. ઠાકોર અને શાળાના આચાર્યા ચેતનાબેન પટેલ તેમજ ગામના અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થતિ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો. ૮ ના વિદ્યાર્થી પરસાલ પાગીએ કર્યુ હતું. જયારે વિદ્યાર્થી આશિષ અરજે વૃક્ષોનું મહત્વ અંગે વકતવ્ય આપ્યુ હતું.

એસ.એમ.સીની બેઠકમાં નાયબ દંડકશ્રીએ ગ્રામજનોને મળતી સુવિધાઓની સમીક્ષા કરી

શાળા પ્રવેશોત્સવની સાથે સાથે નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલે એસ.એમ.સી (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી)ની બેઠક પણ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા, વીજળી, મોબાઈલ નેટવર્ક, રસ્તા, આરોગ્યલક્ષી સુવિધા, ઘર ઘર શૌચાલય, કચરાનો નિકાલ માટેની વ્યવસ્થા, ગ્રામ પંચાયત અને આંગણવાડીના મકાન, સખી મંડળ અને સસ્તા અનાજની દુકાન અંગે પૂછપરછ કરી આ સુવિધાઓની સમીક્ષા કરી હતી.

શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ રૂપે દરેક ગામમાં ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યું છેઃ નાયબ દંડક વિજયભાઈ પટેલ

છેલ્લા બે દિવસથી કપરાડાના ડુંગરો ખુંદી રહેલા નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે, આ બે દિવસ દરમિયાન કપરાડાની જે પણ શાળામાં મુલાકાત લીધી તે તમામ શાળા રસ્તાઓ સાથે જોડાયેલી હતી. અંતરિયાળ ગામડામાં પણ શિક્ષણ પણ સારૂ મળી રહ્યું છે સાથે ગ્રામજનોનો સહકાર પણ મળી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ રૂપે દરેક ગામમાં ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યું છે. વાલીઓમાં પણ જાગૃતિ આવતા તેઓ બાળકોને સ્કૂલે મુકવા આવી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દાનહના ઊંડાણના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનાવવા સંકલ્‍પબદ્ધ

vartmanpravah

દીવમાં જલારામ મંદિરનો 28મો પાટોત્‍સવ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

Leave a Comment